Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

અમદાવાદ જીલ્લામાં ૨૭ ધન્વંતરી રથ દ્વારા ૩ લાખથી વધુ લોકોનું સ્ક્રિનીંગ કરાયુ

ધન્વંતરી રથમાં જરૂરીયાત વાળા લોકોને આયુર્વેદીક અને હોમિયોપેથી દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યુ : ૨ લાખથી વધુ લોકોનું એસપીઓટુ દ્વારા ઓક્સિજનનું પ્રમાણ ચેક કરવામાં આવ્યુ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ : વૈશ્વિક કોવીડ-૧૯ મહામારી સામે લડવા માટે વિરમગામ તાલુકા સહિત અમદાવાદ જીલ્લામાં કલેક્ટર સંદિપ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શિલ્પા યાદવના સીધા માર્ગદર્શન હેઠળ ૨૭ ધન્વંતરી રથ કામગીરી કરી રહ્યા છે. અમદાવાદ જિલ્લાના ૯ તાલુકામાં ૨૮૨૧ વિસ્તારોમાં કુલ ૩૩૮૫૮૨ લોકોની આરોગ્ય તપાસ ધન્વંતરી રથમાં કરવામાં આવી છે. ધન્વંતરી રથની મેડીકલ ટીમ દ્વારા ૧૬૨૬૬૨ વ્યક્તિઓને આયુર્વેદિક દવાઓ, ઉકાળા આપવામાં આવ્યા છે અને ૧૬૮૪૩૧ વ્યક્તિઓને હોમીયોપેથી મેડીસીન આપવામાં આવી છે. ૨૪૪૭૧૯ વ્યક્તિઓનું મેડીકલ ટીમ દ્વારા એસપીઓટુ દ્વારા ઓક્સિજનનું પ્રમાણ ચેક કરવામાં આવ્યુ છે. જેમાંથી કોવિડ-૧૯ શંકાસ્પદ દર્દીઓને શોધીને રીફર કરવામાં આવ્યા છે. વિરમગામ ખાતે જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.ચિંતન દેસાઇ દ્વારા ધન્વંતરી રથ તથા કોવિડ કેર સેન્ટરની સરપ્રાઇઝ વિઝીટ લેવામાં આવી અને કામગીરી બિરદાવવામાં આવી હતી.
            જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.ચિંતન દેસાઇએ જણાવ્યુ હતુ કે, છીંક કે ઉઘરસ વખતે નાક મોં રૂમાલથી ઢાંકવું તથા માસ્કનો ઉપયોગ કરવો, સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવા, હાથ મિલાવવાના બદલે નમસ્તે દ્વારા અભિવાદન કરવું, વ્યક્તિઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખવુ જોઇએ. ગભરાહટ નહીં, સમજદારી અને સતર્કતા એ જ આપણી સલામતી.
          તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે,  ધન્વંતરી આરોગ્ય રથમાં અંતરીયાળ વિસ્તારના લોકોને તાવ, શરદી, ઝાડા, ડાયાબીટીશ, બીપી, ચામડીના દર્દો વગેરેના નિદાન અને સ્થળ પર પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. ધન્વંતરી આરોગ્ય રથમાં આયુર્વેદીક અને હોમિયોપેથી દવાઓનું વિતરણ જરૂરીયાત વાળા લોકોને કરવામાં આવી રહ્યુ છે. ધન્વંતરી આરોગ્ય રથની મેડીકલ ટીમ દ્વારા થર્મલ ગન, પલ્સ ઓક્સિમીટર દ્વારા કોવિડ શંકાસ્પદ દર્દીઓની તપાસ કરવા આવે છે અને ફિલ્ડમાં જો કોઇ શંકાસ્પદ દર્દી મળી આવે તો તેને તાત્કાલીક અર્બન હેલ્થ સેન્ટર / પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રીફર કરવામાં આવી રહ્યા છે.

(3:18 pm IST)