Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

એક દેશ એક બજાર : દેશમાં ગમે તે વેપારી કે ખેડૂત દેશની કોઇ પણ APMCમાંથી માલ ખરીદી કે વેચી શકશે : મંત્રી સૌરભભાઈ પટેલ

APMC બંધ થશે એ વાત તદ્દન ખોટી : ટેકનોલોજીના માધ્યમથી જે ખેડૂતોને બહાર માલ વેચવો હશે તે વેચી શકશે: દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો હિંમતભર્યો નિર્ણય

અમદાવાદ :ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી કેન્દ્રની ભાજપા સરકારે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ એક દેશ એક બજારનો જે હિંમતભર્યો નિર્ણય કર્યો છે જેના પરિણામે વર્ષ ર૦રરમાં ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ કર્યો છે તે ચોક્કસ પરિપૂર્ણ થશે એવો મને દૃઢ વિશ્વાસ છે.
   મંત્રી પટેલે ઉમેર્યું કે, એક દેશ એક બજારના નિર્ણયથી સમગ્ર દેશમાં ગમે તે વેપારી કે ખેડૂત દેશના કોઇપણ APMCમાંથી ખરીદી કે વેચી શકશે. APMC બંધ થશે એ વાત તદ્દન ખોટી છે. APMC ચાલુ જ રહેશે. પરંતુ વિકસીત સમયમાં જે ખેડૂતોને ટેકનોલોજીનો ઉપયોગ કરવો હશે એ કરીને તેનો માલ સીધો દેશના અન્ય રાજયોમાં વેચી શકશે. જેના પરિણામે ખેડૂતોનું ટ્રાન્સપોર્ટેશન ઘટશે અને વધુ ભાવો મળશે. ખેડૂતોને હાલ જે સુવિધાઓ મળે છે એ ચાલુ જ રહેશે. ઇ-પ્લેટફોર્મના માધ્યમ દ્વારા દેશભરમાં રાજ્યના ખેડૂતો પોતાનો માલ વેચી શકશે.
  તેમણે ઉમેર્યું કે, પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મેાદીને અભિનંદન આપતાં તેમણે કહ્યું કે, ખેડૂતોનું ભવિષ્ય જોઇને આ કાયદો લાવ્યા છીએ તે આગામી ૧૦ વર્ષમાં મહત્વનો પુરવાર થશે. ખેડૂતોને ટેકનોલોજીનો મહત્તમ લાભ મળે એ માટે તેમણે દ્વાર ખોલી દીધા છે. આજના ટેકનોલોજીના યુગમાં યુવા ખેડૂતો ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ખેતી કરી શકશે જેનાથી ઉત્પાદન વધશે જેના પરિણામે મોટી કંપનીઓ સીધા ખેડૂતો પાસે કોન્ટ્રાક્ટ કરીને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરી શકશે અને ગુણવત્તાલક્ષી પાક ઉત્પાદન પણ મળશે.  આજે ટેકનોલોજી નહીં લાવીએ તો ગ્લોબલાઇઝેશનમાં ટકી શકીશું નહીં. પ્રધાનમંત્રીએ દેશમાં પ્રોસેસિંગના દરવાજા ખોલી દીધા છે દેશમાં ૧૦ હજાર કમિટી રચવાનો પણ નિર્ણય કરાયો છે. જે કમિટીઓ પાક ઉત્પાદન ભેગું કરીને વેચાણ કરશે એટલે ખર્ચા ઘટશે અને ખેડૂતોની આવક વધશે.
  તેમણે ઉમેર્યું કે આ નવા કાયદાથી ટેકાના ભાવે ખરીદી બંધ થશે એ વાત તદ્દન ખોટી છે. ટેકાના ભાવે ખરીદી તો ચાલુ જ રહેશે પરંતુ જે ખેડૂતો ટેકનોલોજીથી માલ ખરીદ કે વેચાણ કરશે એટલે ઊંચા ભાવ મળવાના જ છે. UPA સરકારમાં જે ટેકાના ભાવે ખરીદી થતી હતી તે ભાવોમાં નરેન્દ્રભાઈ મોદીની સરકારે વધારો કર્યો છે અને ખરીદી પણ વધુ કરી છે. ટેકાના ભાવે ખરીદીમાંથી ચારેક પ્રોડક્ટ બહાર લાવવામાં આવી છે.
 મંત્રી પટેલે ઉમેર્યું કે અમે કોંગ્રેસની જેમ ખેડૂતો જોડે રાજકારણ કરીએ તેવા નથી,  અમે ખેડૂતોને સાચી દિશા બતાવવા માંગીએ છીએ. ખેડૂતોનો વોટબેંકની જેમ ઉપયોગ ન કરો. તેમના હીતની વાત હોય ત્યારે તેમની પડખે ઊભા રહો. આ વિધેયક પસાર કરવું તે ખરેખર ઐતિહાસિક નિર્ણય સાબિત થશે જે ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવામાં પણ મહત્વપૂર્ણ પૂરવાર થશે.

(7:00 pm IST)