Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

શિક્ષણ માટે જમીન ખરીદવા કલેક્ટરની મંજૂરી નહીં લેવી પડે

વિધાનસભામાં ગણોતધારામાં સુધારા વિધેયક : શિક્ષણ-આરોગ્ય સહિત ઔદ્યોગિક વિકાસને વેગ મળશે

ગાંધીનગર,તા.૨૫ : સુધારા વિધેયકથી ગણોતધારામાં નવી ઉમેરાયેલ કલમ-૬૩-કકકથી સમગ્ર રાજ્યમાં હવે કૃષિ યુનિવર્સિટી, પશુપાલન યુનિવર્સિટી, શિક્ષણ, તબીબી શિક્ષણ કે આરોગ્ય જેવાં હેતુસર ખેતીની જમીન ખરીદવા માટે જિલ્લા કલેકટરની પૂર્વ પરવાનગી નહિ લેવી પડે. આવી જમીનની ખરીદી કર્યા બાદ એક મહિનામાં જિલ્લા કલેકટરને જાણ કરી બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પરપઝની જેમ જ જરૂરી પ્રમાણપત્રો મેળવીને નિયત સમયમાં પ્રોજેકટ કામગીરી શરૂ કરી શકાશે તેમ મંત્રીએ આ સુધારા વિધેયક રજૂ કરતાં જણાવ્યું હતું. મહેસુલ મંત્રીએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં આવી જમીન ખરીદી માટે બિનખેડૂત સંસ્થાઓ કે વ્યક્તિઓ એ જિલ્લા કલેકટર પાસે મંજૂરી મેળવવાનું આવશ્યક હોવાના પરિણામે લાંબા સમય સુધી ટાઇટલ કલીયરન્સ, ઇન્સ્પેકશન વગેરેમાં જતો સમય અને પ્રોજેકટ શરૂ કરવામાં થતા વિલંબની સમસ્યાનો હવે આ નવી ક્રાંતિકારી વ્યવસ્થાથી અંત આવશે.

            મંત્રીએ ઉમેર્યુ હતું કે, ગુજરાત મેડીકલ-એન્જીનીયરીંગ અને વ્યવસાયિક શૈક્ષણિક ક્ષેત્ર સાથોસાથ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ્સ સહિતનું હબ બન્યું છે ત્યારે મુખ્યમંત્રીએ કૃષિ, પશુપાલન યુનિવર્સિટી તેમજ તબીબી-ઇજનેરી શિક્ષણ અને અન્ય શૈક્ષણિક હેતુઓ માટે સરળતાએ જમીન ઉપલબ્ધ થઇ શકે તેવા ઉદાત્ત ભાવથી રાજ્યમાં હોલિસ્ટીક ડેવલપમેન્ટની નવી દિશા ખોલી આપી છે. મંત્રીએ ઉમેર્યુ હતું કે, રાજ્યમાં બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પરપઝ માટે જમીન ખરીદી હોય પરંતુ કોઈ કારણસર ઉદ્યોગ શરૂ ન કરી શકે અને વેચાણ કરવાનું જરૂરી હોય ત્યારે  પ્રમાણપત્રની તારીખથી ૩ થી ૫ વર્ષ માટે ૧૦૦ ટકા, ૫ થી ૭ વર્ષ માટે ૬૦ ટકા, ૭ થી ૧૦ વર્ષ માટે ૩૦ ટકા અને ૧૦ વર્ષ પછી ૨૫ ટકા પ્રવર્તમાન જંત્રીની રકમ વસુલ લઇને  વેચાણની પરવાનગી આપી શકાશે.

           વધુમાં, જીડીસીઆરની જોગવાઈ મુજબ ઔદ્યોગિક હેતુનો ઉપયોગ શકય ન હોય તેવા કિસ્સામાં જીડીસીઆરની જોગવાઈ હેઠળ જાહેર કરેલ ઝોન મુજબ જમીનનો ઉપયોગ કરવાના હેતુ માટે પરવાનગી આપવામાં આવશે. આવી જમીનોના કિસ્સામાં કંપનીના મર્જર, જોઇન્ટ વેન્ચર, એમાલગ્મેશન કે પોતાની જ પેટા કંપની, ગૃપ કંપની અથવા સહયોગી કંપનીને તબદીલ કરાયેલ જમીનના કિસ્સામાં જંત્રીની ૧૦ ટકા રકમ  વસુલીને પરવાનગી અપાશે. દેવા વસુલી ટ્રીબ્યુનલ, એનસીએલટી, ફડચા અધિકારી કે નાણાંકીય સંસ્થાઓ મારફતે થતી હરાજીમાં આવી જમીનો ખરીદનારે હરાજી હુકમના ૬૦ દિવસમાં અરજી કર્યેથી જંત્રીના ૧૦ ટકા રકમ વસુલી તબદીલીની મંજૂરી આપવામાં આવશે. મહેસુલ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં મહેસૂલી પ્રક્રિયાઓને સરળ-પારદર્શી અને સ્વચ્છ વહીવટ માટેની જે અનેક પહેલો કરી છે તેમાં આ નિર્ણયો વધુ એક સિમાચિન્હ બનશે.

(9:36 pm IST)
  • દેશમાં કોરોનાનો કહેર : રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં નવા 85,919 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 58,16,103 થઇ: હાલમાં 9,69,972 એક્ટિવ કેસ: વધુ 81,141 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 47,52,991 લોકોએ કોરોનાને મ્હાત આપી : વધુ 1144 લોકોના મોત સાથે મૃત્યુઆંક 92 ,317 થયો access_time 1:02 am IST

  • મ્યુ.કોર્પોરેશનના વધુ બે ઓધિકારીઓ કોરોનાની ઝપટે ચડયા : મ્યુ.કોર્પોરેશનનાં વધુ બે અધિકારીઓ સંક્રમિત થતા ફફડાટ : ઇન્ચાર્જ સિટી ઈજનેર કોટક તથા મેડિકલ ઓફીસર વિકાસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યોઃ અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ અધિકારી, કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. access_time 3:36 pm IST

  • જમ્મુ કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકી ઠારઃ ઓપરેશન શરૂ : જમ્મુ-કાશ્મીરના અનંતનાગ ખાતે આંતકીઓ સાથેની અથડામણમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકી ઠાર મરાયા છે. સુરક્ષાદળોનું ઓપરેશન ચાલુ છે. access_time 11:29 am IST