Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

ગુજરાતમાં ર૩ નવેમ્બરથી સ્કુલો ખોલવાનો નિર્ણય પણ મહત્વની શરતોનું કડકાઇથી પાલન કરવું પડશે

અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી પછી સ્કૂલો ખોલવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. સૂત્રો અનુસાર 23 નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવાની રાજ્ય સરકારની તૈયારી છે. આ માટે વાલીઓને વિકલ્પ આપવામાં આવશે કે તે પોતાના બાળકને સ્કૂલો મોકલવા માગે છે કે ઓનલાઈન જ ભણાવવા માગે છે.

જોકે સ્કૂલો ખોલ્યા બાદ સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. માત્ર 50 ટકા હાજરી સાથે જ સ્કૂલો ચાલશે. એટલે કે વિદ્યાર્થીઓને વારાફરતી બોલાવવામાં આવશે. હાલમાં જ રાજ્ય શિક્ષણ વિભાગના ટોચના અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ વચ્ચે સ્કૂલો શરૂ કરવા બાબતે એક બેઠક મળી હતી.

શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ તબક્કામાં ધોરણ 6થી લઈને 12 સુધીની સ્કૂલો શરૂ કરશે તેવું સૂત્રોએ જણાવ્યું છે. જોકે ધોરણ.૧થી ૫ના વર્ગો જ્યાં સુધી કોરોનાની સ્થિતિ સાવ થાળે પડી ન જાય ત્યાં સુધી શરૂ કરવામાં નહી આવે.

શિક્ષણ વિભાગના નિયમ પ્રમાણે બાળકની સ્કૂલમાં 80 ટકા હાજરી હોવી ફરજિયાત છે. પરંતુ ચાલુ વર્ષે આ નિયમને અનુસરવામાં નહીં આવે. વિદ્યાર્થીઓને પણ વારા-ફરથી સ્કૂલમા બોલાવવાના હોવાથી ૮૦ ટકા હાજરી શક્ય નથી.

સ્કૂલો શરૂ થવા અંગે સંચાલકો દ્વારા એવો મત રજૂ કરવામાં આવી રહ્યો છે કે, સ્કૂલો શરૂ થાય છે તે આવકારદાયક છે. પરંતુ જો કોઈ વિદ્યાર્થી સંક્રમીત થાય તો તેનો દોષનો ટોપલો સ્કૂલો પર ઢોળવો જોઈએ નહી.

સ્કૂલો શરૂ કરવાની સાથે સાથે આ નિયમો અને શરતોનું ચુસ્ત પાલન કરવું પડશે

- સ્કૂલમાં સ્વચ્છતા અને સેનિટેશનની વ્યવસ્થા ફરજિયાત

- બાળકની બેઠક વ્યવ્થા વચ્ચે ૬ ફુટનું અંતર જાળવવુ

- સ્કૂલના એન્ટ્રી અને એક્ઝિટ વખતે વિદ્યાર્થીઓમાં સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન કરવું

- સંચાલકોએ જુદા-જુદા વર્ગના વિદ્યાર્થીઓને અલગ-અલગ સમયે બોલાવવાના રહેશે

- હાજરી માટે દરેક વર્ગનું જુદુ સાપ્તાહિક કેલેન્ડર

- વિદ્યાર્થીને સ્કૂલમાં ફરજિયાત હાજર રહેવાનો આગ્રહ કરી શકાશે નહી

- મોટી સંખ્યામાં વિદ્યાર્થી હોય તેવી શાળાઓએ ઓછા સમયની બે શિફ્ટ કરવાની રહેશે

- સ્કૂલોએ શિક્ષણનો સમય પણ ૫હેલા કરતા ઘટાડવાનો રહેશે

- સ્કૂલમાં કોઈ સમારંભ, મેળાવડા કે બેઠકો કરવી નહી

- વાલીઓ સાથેની બેઠક પણ ઓનલાઈન જ કરવાની રહેશે

- સ્કૂલમાં કોઈ વિદ્યાર્થીને કે કર્મીને કોરોના પોઝિટિવ આવે તો ગાઈડલાઈનના તમામ નિયમો અને પ્રોટોકોલનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે.

(12:49 pm IST)