Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

અમદાવાદમાં આંગડિયા પેઢીમાંથી ૫૦ લાખની ચોરી

જે.કે. એન્ડ કંપની આંગડિયા પેઢીની ઓફિસમાંથી ચોરીઃ સીસીટીવી જોતા ડીવીઆર પણ ગાયબ : દિવાળી બાદ ઓફિસ મુર્હુત કરવા માટે ખોલી હતી, પેઢીના સંચાલક ચિરાગ ઠકકરે ૪ કર્મચારીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી

અમદાવાદઃ શહેરના નવરંગપુરાના સી.જી.રોડ પાર આવેલા સમુદ્ર એનેક્ષી કોમ્પ્લેકસમાં આવેલી જે.કે.એન્ડ કંપની આંગડિયા પેઢીની ઓફિસમાંથી રૂ.૫૦ લાખની ચોરીની ફરિયાદ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ આંગડિયા પેઢીની ૪ ઓફિસ નવરંગપુરા વિસ્તારમાં આવેલી છે. જેમાં સમુદ્ર એનેક્ષી કોમ્પ્લેક્ષની ઓફિસમાં કેશ રાખવામાં આવતી હતી. પેઢીના સંચાલક ચિરાગ ઠક્કરે ૪ કર્મચારીઓ વિરૂદ્ઘ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જે.કે.એન્ડ કંપની આંગડિયા પેઢીના માલિક જયેશ ઈશ્વરલાલ પૂજારા (રહે, પ્લોટ નંબર ૮૪, સેકટર ૪ ગાંધીધામ કચ્છ) અને સેટેલાઈટના જોધપુર ખાતે સત્યમ ઇન્સીગ્નીયામાં રહેતા કલ્પેશ પરષોત્તમદાસ ઠક્કર છે. આ પેઢીના માલિકોની ૪ ઓફિસો નવરંગપુરા ખાતે આવેલી છે. જેમાં એક સી.જી.રોડ પર ગોલ્ડસુખ કોમ્પ્લેક્ષમાં, બીજી સમુદ્ર એનેક્ષી કોમ્પ્લેક્ષમાં અને ત્રીજી ઓફિસ સીજી રોડ ઈસ્કોન આર્કેડમાં આવેલી છે. જયારે જયેશભાઈ અને કલ્પેશભાઈની ગૌ શાળાની ઓફિસ સીજી રોડ પરના ટેનઈલેવન કોમ્પ્લેક્ષમાં આવેલી છે.

જે.કે.આંગડિયા પેઢીની ગોલ્ડ સુખ કોમ્પ્લેક્ષમાં આવેલી ઓફિસ ચિરાગ સુનિલ ઠક્કર (ઉં,૨૭) (રહે, ડાયમન્ડ ગ્રીન્સ, શ્યામવેલી ફ્લેટ સામે,ચાંદખેડા) સંભાળે છે. ચિરાગ ઠક્કર જયેશભાઈનો ભાણીયો અને કલ્પેશભાઈનો ભત્રીજો થાય છે. આથી આ ઓફિસ ચિરાગને ચલાવવા માટે આપી હતી.

ચિરાગ ઠક્કરે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પેઢીના ચાર કર્મચારીઓ હસમુખ ઇશ્વરલાલ ડાભી (રહે વિશ્વકેતુ બજરંગ આશ્રમ સામે,હીરાવાડી) હિતેન્દ્ર હરિલાલ ઠાકર (રહે, સ્ટેન્ડ સ્ટોન ફ્લેટ,જીવરાજપાર્ક) કૃણાલ તુરખીયા (રહે, સોનાનગર વાળીનાથ ચાર રસ્તા,ચાંદખેડા) અને જીતેન્દ્ર ગોહીલ (રહે, ગુરૂકૃપા સોસાયટી, અર્જુન આશ્રમ પાસે,ન્યુ રાણીપ) વિરુદ્ઘ રૂ.૫૦ લાખની ચોરી અંગે ફરિયાદ કરી છે.

પોલીસ ફરિયાદ મુજબ, સમુદ્ર કોમ્પ્લેક્ષમાં પૈસા મુકવા માટે રાખેલી ઓફિસ કૃણાલ ખોલે અને બંધ કરે છે. આ ઓફિસની ચાવીઓ ટેનઇલેવન કોમ્પ્લેકસની ઓફિસના લોકરમાં રાખવામાં આવે છે. હિતેન્દ્ર ઠાકર અને જીતેન્દ્ર ગોહીલ પૈસા લેવા મૂકવાનું કામ અને હસમુખ ડાભી એકાઉન્ટન્ટ તરીકે પેઢીમાં નોકરી કરે છે.

ગત તા ૧૨-૧૧-૨૦૨૦ના રોજ સાંજના ૫.૪૫ વાગ્યે ગોલ્ડ સુખ ઓફિસથી હસમુખ ડાભી અને જીતેન્દ્ર ગોહીલ રૂ.૪૦ લાખ સમુદ્ર એનેક્ષી કોમ્પ્લેકસની ઓફિસ ગયા હતા. જયાં કૃણાલ તુરખીયાની હાજરીમાં રૂ.૪૦ લાખ લોકરમાં મૂકયા હતા. તે પછી જીતેન્દ્ર ગોહીલ પરત ગોલ્ડસુખ કોમ્પ્લેક્ષ ઓફિસ ગયા હતા, ત્યાંથી બીજા રૂ.૧૦ લાખ લઈ હિતેન્દ્ર ઠાકર સાથે સમુદ્ર એનેક્ષી કોમ્પ્લેક્ષ ગયા હતા. કૃણાલ તુરખીયાની હાજરીમાં રૂ.૧૦ લાખ લોકરમાં મુકયા હતા. આમ રૂ.૫૦ લાખની રકમ લોકરમાં પડી હતી.

સમુદ્ર કોમ્પ્લેક્ષવાળી ઓફિસ બંધ કરી તેની ચાવીઓ કૃણાલભાઈએ ટેનઈલેવન કોમ્પ્લેકસની ઓફિસના લોકરમાં મૂકી હતી. ટેનઈલેવન કોમ્પ્લેકસની ઓફિસ અને લોકર બંધ કરી તેની ચાવીઓ કૃણાલભાઈ પોતાની પાસે લઈ ગયા હતા.આમ ત્રણે ઓફિસ દિવાળીના દિવસે બંધ કર્યા બાદ ગત તા.૧૯મીના રોજ સવારે ટેનઇલેવન, ગોલ્ડ સુખ અને ઇસ્કોનની ઓફિસ મુહૂર્ત કરવા ખોલી હતી.

ગત તા.૨૩મીએ પૈસાની જરૂર પડતા ચિરાગભાઈએ સમુદ્ર કોમ્પ્લેકસની ઓફિસે કૃણાલ તુરખીયા અને ડ્રાઈવર બીટન દાસ રૂ.૫૦ લાખ લેવા મોકલ્યા હતા. જોકે લોકરમાં પૈસા ન હોવાથી ચિરાગભાઈને બન્નેએ જાણ કરી હતી. આથી ચિરાગભાઈ સમુદ્ર કોમ્પ્લેક્ષની ઓફિસે ગયા અને સીસીટીવી જોવા પ્રયાસ કરતા DVR પણ ગાયબ હતું. આ અંગે તમામ કર્મચારીઓની પૂછપરછ કરતાં તેઓએ પૈસા ન લીધાનું જણાવ્યું હતું. આથી ચિરાગભાઈએ ૪ જવાબદાર કર્મચારીઓ વિરૂદ્ઘ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

(3:24 pm IST)