Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

અહેમદ પટેલના જવાથી ન માત્ર કૉંગ્રેસને પરંતુ તમામ પાર્ટી અને દેશને મોટી ખોટ પડી છે: શંકરસિંહ વાઘેલા

ધાર્યું હોત તો દેશના રાષ્ટ્રપતિ થઇ શકત પણ સતાથી વિમુખ રહ્યાં :જાહેરજીવનમાં આવા વ્યક્તિત્વ ઘણાં ઓછા હોય

અમદાવાદ : કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્ય સભાના સાંસદ અહેમદ પટેલનું 71 વર્ષે નિધન થયું છે. તેમના અવસાનના સમાચાર સાંભળીને શંકરસિંહ વાઘેલાએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. બાપુએ જણાવ્યું કે, 'અહેમદ પટેલના જવાથી ન માત્ર કૉંગ્રેસને પરંતુ તમામ પાર્ટી અને દેશને મોટી ખોટ છે.'
શંકરસિંહ વાઘેલાએ અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે, "મારા મિત્ર એવા અહેમદભાઇ પટેલનાં સમાચાર મળ્યા, સાંભળતા સ્વાભાવિક દુખ થાય. જે માણસ પાર્ટી માટે અને પાર્ટી કાર્યકર્તાઓ માટે જીવ્યા. ખૂબ વફાદાર કહી શકાય તેવા સૈનિક, કૉંગ્રેસને ગમે ત્યારે કોઇપણ તકલીફ પડે તો તે અડધી રાતે પણ સમસ્યાને સોલ્વ કરીને ગાડી પાટા પર લઇ આવે તેવા અહેમદભાઇની ખોટ પડી છે તે ન પુરાય તેવી છે. એટલું જ નહીં દેશનાં રાજકારણમાં પણ તેમની ખોટ પડશે. આ એવો માણસ કે પબ્લિક લાઇફમાં પડ્યા પરંતુ સત્તાથી વિમુખ રહ્યા, ધાર્યું હોત તો દેશના રાષ્ટ્રપતિ થઇ શકત. જાહેરજીવનમાં આવા વ્યક્તિત્વ ઘણાં ઓછા હોય છે એવા અહેમદભાઇ પટેલને દિલથી શ્રદ્ધાંજલિ આપુ છું. તેમની જેટલી ખોટ પરિવારને છે તેનાથી ઘણી વધારે કૉંગ્રેસને છે.

(1:09 pm IST)