Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

ચીખલી નેશનલ હાઇવે પર આલોપોર ગામ નજીક બે ટ્રક અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત : બે લોકોના મોત : એક ગંભીર

એક વાહનચાલકે અચાનક બ્રેક મારતા એક પછી એક ચાર જેટલા વાહનો ભટકાયા: અચાનક બ્રેક મારનાર ટ્રક ચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આલોપોર ગામ પાસે બે ટ્રક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિના મોત નીપજ્યાં હતાં. જ્યારે એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો

ઘટના સ્થળેથી માહિતી મુજબ મુંબઈ સુરત નેશનલ હાઈવે ઉપર ચીખલી નજીક આલીપોર પાસેના નેશનલ હાઈવે નંબર 48 પર એક વાહનચાલકે અચાનક બ્રેક મારતા એક પછી એક ચાર જેટલા વાહનો ભટકાયા હતા. જોકે, અચાનક બ્રેક મારનાર ટ્રક ચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો.

આલીપોર ઓવરબ્રિજ ઉતરતી વખતે બપોરે ત્રણ વાગ્યાના સુમારે નવસારી તરફ જઈ રહેલ એક ટ્રકના ચાલકે કોઈક કારણસર અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલી ટ્રક તેમાં ભટકાઈ હતી. આ ટ્રકની પાછળ નવસારી ભેંસ લઈને જઈ રહેલ પીકઅપ ભટકાતા અને આ પીકઅપની પાછળ મહારાષ્ટ્રના સતાણાથી સુરત તરફ જઈ રહેલ નંબર વિનાનો આઈસર ટેમ્પો ભટકાતા ટ્રક અને ટેમ્પો વચ્ચે પીકપ સેન્ડવીચ થઈ જવા પામી હતી. બનાવમાં જલાલપોરના બે રહીશ રિતેશ રામુભાઈ આહીર અને કિશન ભગુભાઈ હળપતિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આલીપોર હાઈવે ઓવરબ્રિજના છેડે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતને પગલે આસપાસના લોકો અને પોલીસ ધસી આવી હતી. અને એક સમયે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. આ અકસ્માતમાં પીકઅપમાં સવાર રીતેશ રામુભાઈ આહીર (ઉ.વ.આ.25) રહે. મંદિરગામ આહીરવાસ જલાલપોર અને કિશન ભગુભાઈ હળપતિ રહે. મંદિરગામ બધીયા ફળીયું જલાલપોરનું મૃત્યુ થયું.

અકસ્માત એટલો ભયાનક હતો કે પોલીસે ક્રેનની મદદથી આ વાહનોને અલગ કરવા પડ્યા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધવાની અને કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી

(11:43 pm IST)