Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

ખેડૂતોના સમર્થનમાં વિરોધ પ્રદર્શનઃ સુરતમાં 150 થી વધુ અને ભાવનગરમાં પણ વિરોધ કરનારાઓની અટકાયત કરાઈ

સુરત-ભાવનગર: દેશમાં આજે 72માં ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે. એક બાજુ રાજપથથી રિપબ્લિક ડે પરેડ નીકળશે જ્યારે બીજી બાજુ દિલ્હી બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનો આજે ટ્રેક્ટર રેલી કાઢવાના છે. જો કે તે પહેલા જ ઘર્ષણના સમાચાર આવ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ ખેડૂત સમર્થનની આગ પ્રગટી છે. સુરત અને ભાવનગરમાં ખેડૂતોના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં સુરતમાં 150 થી વધુ અને ભાવનગરમાં પણ વિરોધ કરનારાઓની અટકાયત કરાઈ છે.

સુરતમાં અલ્પેશ કથીરિયીની અટકાયત

આજે પાટીદાર અનામ આંદોલન સમિતિ દ્વારા દિલ્હીમાં ખેડૂતોને સમર્થન આપવા રેલી યોજાઈ હતી. રેલીને કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવી ન હતી. તેથી વિરોધ પ્રદર્શન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. પાટીદારો પર કેસ પરત ખેંચવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ ખેડૂતોને સમર્થન આપવામાં આવ્યું હતું. ખેડૂતોના સમર્થનમાં Surat ના હીરા બાગ પરથી તિરંગા રેલી કાઢવામાં આવી હતી. ત્યારે વિરોધ કરનારા 150 થી વધુ પાસના કાર્યકર્તાઓની અટકાયત કરાઈ છે. તો સાથે જ પાસના નેતા અલ્પેશ કથરીયા અને ધાર્મિક માલવીયાની પણ અટકાયત કરાઈ છે.

ભાવનગરમાં ખેડૂતોને સમર્થન

કૃષિ કાયદાના વિરોધમાં ભાવનગર જિલ્લાના ખેડૂતોએ આજે સમર્થન આપ્યું હતું. ખેડૂતોને સમર્થન આપવા માટે કેટલાક ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા. ત્યારે વહીવટી તંત્ર પાસે ખેડૂતોએ રેલીની મંજૂરી માંગી હતી, પરંતું વહીવટી તંત્રએ કોવિડ ગાઈડલાઈનનું બહાનું કાઢી મંજૂરી આપી ન હતી. ત્યારે ખેડૂત એકતા મંચ, કિસાન ક્રાંતિ ટ્રસ્ટ, ખેડૂત સંઘર્ષ સમિતિ સહિતના ખેડૂતો વિરોધ દર્શાવીને રસ્તા પર ઉતર્યા હતા. ખેડૂતો ટ્રેક્ટર રેલી યોજવાના હતા, જેને પોલીસે નિષ્ફળ બનાવી હતી. ખેડૂતોએ સીદસર ગામે ‘જય જવાન જય કિસાન’ ના નારા લગાવ્યા હતા. ત્યારે પોલીસે વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરી હતી.

ઉલ્લેખનીય છે કે,  ખેડૂતો દિલ્હી અને ટીકરી બોર્ડર પર જાતે જ બેરિકેડ તોડવાની શરૂઆત કરી દીધી છે. પોલીસે પ્રજાસત્તાક દિવસની પરેડ પત્યા પછી 12 વાગ્યાથી ટ્રેક્ટર રેલી કાઢવાની મંજૂરી આપી હતી પરંતુ ખેડૂતોએ સમય પહેલાં જ ટ્રેક્ટર રેલીની શરૂઆત કરી દીધી હતી.

(12:11 pm IST)