Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

અમદાવાદમાં ડુંગળીનો કિલોના ભાવ ૧૦૦થી વધુ થવાની વકી

અમદાવાદ, તા. ૨૫ : ભાવનગર અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી આશરે એક સપ્તાહમાં અમદાવાદ રિટેલ બજારોમાં ડુંગળીનો ભાવ પ્રતિ કિલો ૧૦૦ રૂપિયાને પાર કરી જશે તેવી આશંકા વ્યક્ત કરી છે. શહેરમાં છૂટક ભાવ પહેલાથી જ પ્રતિ કિલો ૯૦ના આંકડાને પાર કરી ચૂક્યો છે. એપીએમસી (કૃષિ પેદાશ બજાર સમિતિ) ના સૂત્રોએ જણાવ્યું હતું કે નવરાત્રિએ ભારતભરમાં ડુંગળીનો વપરાશ ઘટાડ્યો છે, તેથી કિંમતો ઊંચી હોવા છતાં નિયંત્રણમાં હતી. અમદાવાદ એપીએમસીમાં ડુંગળીનો ભાવ શનિવારે ૬૦ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યો હતો જ્યારે એપ બેઝ્ડ પ્લેટફોર્મ્સ પ્રતિ કિલો ૮૬ રૂપિયે વેચાઇ રહ્યા હતા. રિટેલ બજારોમાં ભાવ પ્રતિ કિલો ૯૫ રૂપિયા હતા. એપીએમસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે સોમવારથી માંગ વધશે અને જથ્થાબંધ ભાવોમાં વધારો થશે, પરિણામે રિટેલ ભાવ પ્રતિ કિલોના આંકને ૧૦૦ રૂપિયાને પાર કરી જશે.

              લોકડાઉન દરમિયાન, ડુંગળી અને બટાટાના વપરાશમાં વધારો થયો, કારણ કે તે લાંબા સમય સુધી સંગ્રહિત થઈ શકે છે. જેથી માંગને પહોંચી વળવા આશરે ૨૦% સ્ટોક અમદાવાદના સહિત રાજ્યના બજારોમાં ભરાઈ ગયો. ગુજરાતમાં ડુંગળીના વેપારમાં સૌથી મોટું મહુવા એપીએમસીના અધ્યક્ષ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે, મહુવા, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ખરીફ સીઝનમાં વાવેલો ડુંગળીનો પાક નિષ્ફળ ગયો છે. પટેલે ઉમેર્યું હતું કે, 'તેથી ખેડુતોએ ફરીથી વાવણી શરૂ કરી દીધી છે અને ફેબ્રુઆરી સુધીમાં ઉપજ બજારોમાં આવે તેવી શક્યતા છે. પાકની અછતને કારણે અમે અપેક્ષા રાખીએ છીએ કે નવેમ્બરના મધ્ય સુધીમાં મહુવામાં ડુંગળીનો ભાવ પ્રતિ કિલો ૧૦૦ રૂપિયા થઈ જશે.' પટેલે જણાવ્યું હતું કે કર્ણાટકમાં ઓગસ્ટમાં ભારે વરસાદથી ડુંગળીનો પાક ધોવાઈ ગયો હતો. સપ્ટેમ્બરની શરૂઆતમાં આ જથ્થો ગુજરાતના બજારોમાં આવવાનો હતો. હાલમાં ફક્ત મહારાષ્ટ્રના અને કેટલાક ગુજરાતના ખેડુતો માર્ચ અને એપ્રિલમાં હાર્વેસ્ટ કરેલી પેદાશોનો જથ્થો લગાવે છે. ભાવનગર એપીએમસીના પદાધિકારી ભીખાભાઇ ખાગડિયાએ જણાવ્યું હતું કે ગલ્ફ કન્ટ્રીઝ, શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવા આંતરરાષ્ટ્રીય બજારોમાં માંગમાં વધારો થયો છે. તેમણે કહ્યું, મને નથી લાગતું કે નિકાસ પરના પ્રતિબંધથી ભાવ સ્થિર થશે કેમ કે સપ્લાય નબળો રહેશે. મહુવા એપીએમસીના એક પદાધિકારીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૮ની જેમ આ વર્ષની સ્થિતિ એટલી ખરાબ છે, જ્યારે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં મહુવાના ભાવ પ્રતિ કિલોના ૧૦૦ રૂપિયા સુધી પહોંચ્યા હતો.

(9:44 pm IST)