Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

ઘરમાં એક જ મોબાઈલ હોવાથી અભ્યાસમાં મુશકેલી : સુરતમાં ધો, 10માં અભ્યાસ કરતી છાત્રાનો આપઘાત

પત્ની અને ચાર બાળકોનું ટેમ્પો ચલાવી ગુજરાન ચલાવતા પિતા આર્થિક સ્થિતિ સારી ન હોવાથી બીજો મોબાઈલ લઈ શકતા ન હતા

સુરત :કોરોના વાયરસના કારણે સરકારે તમામ સ્કુલો બંધ રાખવા માટેના આદેશ આપ્યા છે. જેથી શિક્ષકો દ્વારા ઓનલાઈન શિક્ષણ અપાઈ છે,જોકે ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓને ઘણી એવી મુશકેલીઓનો સામનો પણ કરવો પડે છે. ત્યારે સુરતમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ સારી રીતે શિક્ષણ ન થવાના કારણે આપઘાત કરી લીધો છે. આ બનાવને લઈ લોકોમાં ભારે ચકચાર જોવા મળી રહ્યો છે.

આ બનાવની મળતી વિગત મુજબ રાજયમાં ઓનલાઈન શિક્ષણને લઈ ઘણા એવા વિદ્યાર્થિઓની ફરિયાદ પણ સામે આવતી હોય છે. પરતું કોરોનાના વાયરસના કહેરને લઈ સરકારે હાલ શાળાઓ ન ખોલવા માટે સૂચના આપી છે. જેથી વિદ્યાર્થિઓનું ભણતર ન બગડે તે માટે શિક્ષકો હાલ તમામ લોકોને ઓનલાઈન શિક્ષણ આપી રહ્યા છે. ત્યારે સુરતમાં ઓનલાઈન અભ્યાસ કરી રહેલી એક વિદ્યાર્થિનીએ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ અંગે પરિવારજનોએ જણાવ્યું હતું કે, મૂળ ઉતરપ્રદેશના વતની અને પાંડેસરા વિસ્તારામાં આવેલી ક્રિષ્ના નગરમાં શિવશંકર રામકરણ પરિવાર સાથે રહે છે. પત્ની અને ચાર બાળકોનું પિતા ટેમ્પો ચલાવી ગુજરાન કરી રહ્યા છે. ત્રણ દીકરીઓ પૈકીની એક આકાંશા ધોરણ 10માં અભ્યાસ કરતી હતી.

આકાંશાએ આજે સવારે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો હતો. પરિવારને દીકરી લટકતી હાલતમાં મળી આવી હતી. આકાંશા પાંડેસરામાં આવેલી શાળામાં જ ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. ગત રોજ આકાંશાને શાળા પર બોલાવી અને શિક્ષકે ઓનલાઈન અભ્યાસ વિષે પૂછ્યું હતું. આકાંશાએ જણાવ્યું હતું કે, પરિવારમાં એક જ મોબાઈલ છે જે પિતા નોકરી પર જતા સમયે લઈને જાય છે. જેથી હું સારી રીતે અભ્યાસ કરી શકતી નથી.

આકાંશાના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી બીજો મોબાઈલ લઈ શકતા ન હતા. આવા સંજોગોમાં તે સતત માનસિક તાણ અનુભવતી હતી. જેથી આ અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા છે. આ અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.

(8:23 am IST)