Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

પેટાચૂંટણીમાં બેરોકટોક યોજાતા રાજકીય કાર્યક્રમોથી કોરોનાનો ખતરો

પ્રચાર કાર્યમાં ચૂંટણી પંચ કોરોનાની ગાઇડ લાઇનનું સ્થાનિક તંત્ર પાસે ચુસ્ત પાલન કરાવેઃ ભૂતકાળમાં રાજકીય રેલીઓ- રોડ શોને કારણે અનેક અગ્રણીઓ -કાર્યકરો કોરોનામાં સપડાઇ ગયાનો દાખલો

અમદાવાદ,તા. ૨૬:  રાજ્યમાં તાજેતરમાં એક હજારથી નીચે ઉતરેલા કોરોના કેસનો આંકડો ફરીથી વધીને ૧૧૩૬ થયો છે તેમ છતાં ૮ વિધાનસભા વિસ્તારમાં પેટા ચૂંટણીના કારણે બેરોકટોક રાજકીય કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તાજેતરમાં જ કોરોના હજુ ગયો નથી તેથી સાવચેત રહેવા ચેતવણી આપી છે તેમ છતાં ભાજપ હોય કે કોંગ્રેસ અને રાજકીય કાર્યક્રમો યોજી રહ્યાં છે અને લોકસંપર્ક માટે નેતાઆ ફરી રહ્યાંછે તેના કારણે આ વિસ્તાસેમાં કેસ વધવાનું જોખમ સર્જાઇ રહ્યું હોવાનું જાણકારો કહી રહ્યાં છે.

૮ વિધાનસભા મત વિસ્તારમાં જેમ જેમ ચૂંટણી પ્રચાર વેગ પકડતો જાય છે તેમ તેમ સભાઓ અને ઘરે-ઘરે જઇને કાર્યકરો-ઉમેદવારો પ્રચાર કાર્ય કરી રહ્યાં છે. કેટલાક સ્થળે કાર્યકરો આવે તેવી લાલચમાં નાસ્તો-ભોજનના કાર્યક્રમો પણ કેટલાક ઉમેદવારો દ્વારા કરાતા હોય છે. આવા સ્થળે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નથી કે માસ્ક પણ અનેક લોકો પહેરતા ન હોય તેવું જે તે પક્ષ સાથે સંકળાયેલા કાર્યકરો પણ કહી રહયાં છે. બન્ને પક્ષનાં મોટા નેતાઓની સભાઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તેનું એકંદરે ધ્યાન રખાય છે પરંતુ સભા પૂર્ણ થાય એટલે લોકો એકત્ર થઇ જતા કોરોનાનું સંક્રમણ થવાનો ખતરો યથાવત રહે છે.

કેટલાક ઉમેદવારો અને તેમના મુખ્ય કાર્યકરો ઘરે ઘરે જઇને પ્રચાર કરી રહ્યાં છે. તેમાં પણ અતિઉત્સાહમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું નહીં હોવાને કારણે સામાન્ય લોકો ઉપર કોરોનાનો ખતરો વધી જાય છે. કોરોનાનો ખતરો યથાવત હોવા છતાં વિજયની લ્હાયમાં નેતાઓ જે રીતે કોરોનાના ખતરાને નજરઅંદાજ કરી રહ્યાં છે તેના કારણે જો પૂરતું ધ્યાન રાખવામાં નહીં આવે તો આ વિસ્તારો તેમજ તે પછી અન્ય સ્થળે પણ કેસ વધવાની ભીતિ જોવાઈ રહી છે.ભૂતકાળમાં મુખ્ય નેતાઓની આવી જ લાપરવાહીના કારણે તેમના પક્ષના સેંકડો અગ્રણીઓ-કાર્યકરો કોરોનામાં સપડાઇ ગયા હતા.

(11:41 am IST)