Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

ભારતનું પ્રથમ સી પ્લેન કેવડિયા ખાતે પહોંચી ગયું

મોદી કેવડિયા ખાતેથી સી પ્લેનનું ઉદ્ઘાટન કરાવશે : માલદિવ્સથી સી પ્લેન કેવડિયા અને અમદાવાદ પહોંચ્યું

અમદાવાદ,તા.૨૬ : ભારતનું સૌપ્રથમ સી પ્લેન અમદાવાદનાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાના સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે શરૂ થવા જઇ રહ્યું છે. ૩૧મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની જયંતિ છે. તે દિવસને એકતા દિવસ તરીકે પણ ઉજવાય છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતેથી સી પ્લેનનું ઉદ્ઘાટન કરાવશે. પીએમ મોદી સી પ્લેન દ્વારા અમદાવાદથી કેવડિયા પહોંચશે. માટે સી પ્લેને રવિવારે સવારે માલ્દિવ્સના મેલ ખાતેથી ટેક્ ઓફ કર્યું હતું. પછી સી પ્લેન રવિવારે બપોરે કોચીના વેન્ડુરથી ખાતે પહોંચ્યું હતું. જ્યાં ઈંધણ પુરાવ્યા બાદ સી પ્લેન સાંજના ગોવા પહોંચ્યું હતું. આજે તે ગોવાથી કેવડિયા  પહોંચ્યું છેજે બાદ તે અમદાવાદ આવશે. નોંધનીય છે કે, પહેલા સમાચાર હતા કે, ગોવાથી સી પ્લેન પહેલા અમદાવાદ આવશે અને પીએમ મોદી અમદાવાદથી કેવડિયા જશે. પરંતુ હાલ મળતી માહિતી પ્રમાણે, સી પ્લેન પહેલા કેવડિયા જશે. સી પ્લેન શરૂ થવામાં જ્યારે થોડા દિવસો બાકી છે ત્યારે અમદાવાદ અને કેવડિયા ખાતે વોટર એરોડ્રામના આખરી ઓપની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

નર્મદા ડેમના તળાવ નંબર પાસે જેટી અને વોટર એરોડ્રામ બનાવવાની કામગિરી લગભગ હવે પૂર્ણ થઈ ગઈ છે. ફ્લોટિંગ જેટીને તળાવમાં ઉતારી દેવામાં આવી છે. જે સી પ્લેનમાં ગેસ્ટ આવશે તેને ચઢવા ઉતારવા માટે એક ટર્મિનલ બની ગયું છે. જેટી ૨૪ મીટર બાય મીટરની છે. જે જમીનથી એક બ્રિજ દ્વારા કનેક્ટ કરવામાં આવી છે. જેની કેપેસિટી ૬૫ ટનનો ભાર લઈ શકે છે. સાથે તળાવના કિલોમીટર વિસ્તારમાં બોયા માર્કિંગ કરવામાં આવ્યું છે. જેના થકી સી પ્લેન જેના માર્કિંગ પ્રમાણે જેટી સુધી સરળતાથી પહોંચી શકે અને કોઈ દુર્ઘટના ઘટી શકે. હાલ જેટી તેમજ વોટર એરોડ્રામનું કામ હવે પૂર્ણતાને આરે છે અને હવે એક બે દિવસમા સી પ્લેન આવ્યા બાદ તેની ટેસ્ટ રાઈડ થશે. અમદાવાદની વાત કરીએ તો, અમદાવાદ રિવરફ્રન્ટ પર બે માળનું એરોડ્રામ તૈયાર કરવામાં આવ્યું છે. વોટર એરોડ્રામ પર હવાની દિશા જાણવા માટે એર બેગ લગાવવામાં આવી છે. ટિકિટ વિન્ડો, વેઈટિંગ રૂમ, ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર, લગેજ સ્કેનિંગ મશીન સહિતની વ્યવસ્થાને આખરી ઓપ અપાઈ રહ્યો છે. બે માળના વોટર એરોડ્રામમાં જમણી બાજુથી એન્ટ્રી આપવામાં આવી છે. જ્યાં ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર મૂકવામાં આવશે. પ્રવેશની સાથે મુસાફરો માટે વેઈટિંગ રૂમમાં ખુરશીઓ અને લગેજ સ્કેનિંગની માટે મશીન મૂકવામાં આવ્યું છે.

(8:30 pm IST)