Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

ગુજરાતમાંથી ચોમાસાની વિદાય : બે દિવસમાં દેશમાંથી લેશે

સાથો સાથ દક્ષિણના રાજયોમાં ઉત્તરપૂર્વનું ચોમાસુ બેસી જશેઃ ભેજના પ્રમાણમાં ઘટાડો, વાતાવરણ સુકુ બનતુ જાય છે, ૨ નવે. સુધી દિવસ-રાત્રીનું તાપમાન નોર્મલ નજીક રહેશેઃ અશોકભાઇ પટેલ

રાજકોટઃ તા.૨૬, ગુજરાત ભરમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. આગામી બે દિવસમાં ચોમાસુ દેશભરમાંથી વિદાય લેશે.  સાથો સાથ દક્ષિણના રાજયોમાં ઉત્તર-પૂર્વનું ચોમાસુ બેસી જશે. સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં હાલમાં ભેજના પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહયો છે. વાતાવરણ પણ સુકુ બનતુ જાય છે. દિવસ અને રાત્રીનું તાપમાન નોર્મલ નજીક રહે છે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવેલુ છે.

 આજે દક્ષિણ પશ્ચિમ ચોમાસા સમગ્ર ઉત્તર અરબી સમુદ્ર અને સમગ્ર ગુજરાતમાંથી વિદાય લીધી છે. તેમજ મહારાષ્ટ્રના અમુક ભાગો, કોસ્ટલ આંધ્ર અને તેલગણાના અમુક ભાગો, સમગ્ર છત્તીસગઢ ઓડીશાના અમુકભાગો, ઝારખંડ, પશ્ચિમ બંગાળના થોડા વધુ ભાગોમાંથી વિદાય લીધી છે.

આવતા બે દિવસમાં  બંગાળની ખાડી તામીલનાડુ આંધ્ર તરફ ઉત્તરપૂર્વના પવનો છવાશે જેથી દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સમગ્ર દેશમાંથી વિદાય લેશે અને સાથો સાથ ઉત્તરપૂર્વનું ચોમાસુ તામીલનાડુ, પોંડીચેરી, કોસ્ટલ આંધ્ર અને લાગુ કર્ણાટક તેમજ કેરળમાં બુધવાર આસપાસ ઉત્તરપૂર્વનું ચોમાસુ બેસી જશે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે વધુમાં જણાવેલ કે સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં હાલમાં ચોમાસુ વિદાય લઇ શિયાળુ બેસવાની શરૃઆત થતી હોય મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહયો છે. હાલ મહત્તમ અને ન્યુનતમ તાપમાન નોર્મલ નજીક આવી ગયા છે. રાજકોટ શહેરમાં મહત્તમ નોર્મલ તાપમાન ૩૫ ડિગ્રી અને ન્યુનતમ નોર્મલ તાપમાન ૨૧ ડિગ્રી ગણાય. ગઇકાલે શહેરમાં મહત્તમ તાપમાન ૩૫.૭ અને ન્યુનતમ તાપમાન ૨૨ ડિગ્રી નોંધાયું હતુ.

તેઓએ તા.૨૬ ઓકટોબરથી ૨ નવે. સુધીની આગાહી કરતા જણાવેલ કે આગાહી સમય દરમિયાન તાપમાન આંશિક હજુ ઘટે તેમ છતા નોર્મલ નજીક રહેશે. ભેજનું પ્રમાણ ઓવરઓલ ઘટયું છે. એટલે વાતાવરણ સુકુ બનતુ જાય છે. પવન ઉત્તરના ફુકાય છે પણ દિવસ દરમિયાન પવનની દિશા ફરતી રહે છે.

(2:15 pm IST)