Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

રાજયમાં ૧૦ હજારથી વધારે ખેડૂતોએ અપનાવી કુદરતી ખેતીઃ ગુજરાતના ખેડૂતોને સરકાર પણ આપી રહી છે મદદ

કુદરતી ખાતરના શાકભાજી ફ્રીઝ વગર સાત દિવસ સુધી સુરક્ષિત

બારડોલી તા. ર૬: સૂરત જીલ્લાના લગભગ ૪૭પ અને ગુજરાતના ૧૦ હજારથી વધારે ખેડૂતોએ ગાય આધારિત ઝીરો બજેટની કુદરતી ખેતીની શરૂઆત કરી દીધી છે.

આ શૂન્ય બજેટ આધારિત ખેતીને રાજય સરકાર પ્રોત્સાહન રૂપે ખેડૂતોને માસિક ૯૦૦ રૂપિયા પણ આપે છે. તેના માટે ખેડૂતો ઘરમાં જ ગાયના છાણ અને મુત્રમાંથી ખાતર અને લીમડા તથા આયુર્વેદિક છોડવાઓમાંથી જંતુનાશક બનાવી રહ્યા છે. આ ફોર્મ્યુલાથી ખેડૂતો ઘરે-ઘરે જૈવિક જીવામૃત ખાતર બનાવી રહ્યા છે. પ્રાચીનકાળ અને ધર્મશાસ્ત્રોમાં ગાય આધારિત ખેતીનો ઉલ્લેખ છે. ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતના પ્રયત્નોથી હવે દક્ષિણ ગુજરાત સહિત રાજયમાં કેટલીય જગ્યાઓએ ગૌ આધારિત ખેતીનો વધારો થઇ રહ્યો છે. તેમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોના પ્રયોગ ન થતો હોવાથી ધરતીની ઉત્પાદન શકિત કુદરતી રીતે વધી જાય  છે. તેનાથી કલાઇમેટ ચેંજ અને ગ્લોબલ વોર્મીંગમાં પણ ઘટાડો થશે. (૭.૩ર)

આવી રીતે બને છે જીવામૃત ખાતર

પ્લાસ્ટીકના ડ્રમમાં દસ કિલો ગાયનું છાણ, દસ કિલો ગૌમુત્ર, એક કિલો ચણાનો લોટ, એક કિલો ગોળ, વડના ઝાડ અથવા ઉપજાઉ ખેતરની એક કિલો માટી નાખીને એક અઠવાડીયા સુધી રાખો અને તેને રોજ ઉલટ-સુલટ ફેરવતા રહીને હલાવતા રહો.

સ્વસ્થ ધરા અને મજબૂત રાષ્ટ્ર

આત્મા પ્રોજેકટના સૂરત જીલ્લા ડાયરેકટર ગબાણી જણાવે છે કે મોંઘા રાસાયણિક ખાતર અને પાણીના વધારે ઉપયોગથી જમીનની ઉપજ શકિત ઘટી જાય છે. ઝેરી પેસ્ટી સાઇડથી કેન્સર, ડાયાબીટીસ જેવા રોગો પણ વધી ગયા છે. ઘરે જ જંતુનાશક બનાવવા માટે લીમડો, દર્શ પાન, બ્રહ્મસ્ત્રના પાન વગેરેને ઉકાળીને અર્ક બનાવવામાં આવે છે, જે જંતુનાશક તરીકે કામ આપે છે.

(2:39 pm IST)