Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

સુરતના તબીબને ફેફસામાં સંક્રમણ ટ્રાન્સપ્લાન્ટ વિના દૂર કરાયું: દવા સાથે દુઆએ ચમત્કાર સર્જયો

ડો. સંકેત મહેતાનું જીવન બચાવવા દાતાઓએ ૧ કરોડ સુધીની રકમ માટે તત્પરતા દર્શાવેલ : ઓગષ્ટથી સંક્રમિત ડો. સંકેત ૩૧મી સુધીમાં સુરત પરત ફરશે

સુરત તા. ર૬: કોરોના વોરિયર્સ એનેસ્થેસીયા ડો. સંકેત મહેતાને સુરતથી ચેન્નઇની એમજીએમ હોસ્પીટલમાં ફેફસા ટ્રાન્સ પ્લાન્ટ માટે ખસેડાયેલ. ઇલાજની સાથે ચમત્કાર પણ થયો અને ટ્રાન્સપ્લાન્ટની જરૂર ન પડી. ડોકટરોએ ઇલાજમાં ફેરફાર કરી ડો. મહેતાનું જીવન બચાવ્યું છે. તેમને વેન્ટીલેટર ઉપરથી હટાવાયા છે અને રિહાબીલીટેશન થેરેપીથી ડો. સંકેત ચાલવા લાગ્યા છે અને ૩૧મી સુધીમાં સુરત પાછા ફરી શકશે.

ડો. સંકેત મહેતા કોરોના દર્દીઓની સારવાર કરતા-કરતા ઓગસ્ટના પહેલા અઠવાડીયામાં સંક્રમિત થયેલ. તેઓ ૧૧ ઓગસ્ટ સુધી હાઇ ઓકસીજન સપોર્ટ ઉપર રહ્યા હતા. દરમિયાન તેમણે અન્ય એક વૃધ્ધ દર્દીની ઇન્કયુબેટ કરી જીંદગી બચાવેલ.

સૂરતથી ચેન્નઇ શીફટ થયા બાદ અમુક ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ફેફસામાં ૧૦૦ ટકા સંક્રમણનું માલુમ પડેલ. તેમના લોહીમાં પણ ઇન્ફેકશન વધી ગયેલ. તેમને ઇસીએમઓ અને વેન્ટીલેટરમાં નાના બદલાવ સાથે રખાયેલ. અમુક દવાઓ બંધ કરાયેલ. ઊંઘ અને પેરાલીસીસની દવા પણ બંધ કરાયેલ. સ્ટીરોઇડ બંધ કરી એન્ટી ફાઇબ્રોટીકની દવા ડો. સંકેતને અપાયેલ. તેઓ ૪૦ દિવસ ઇસીએમઓ ઉપર રહ્યા હતા.

દરમિયાન દવામાં બદલાવ કરવાથી ફેફસાને હીલ થવાનો વધુ સમય મળ્યો હતો. તેમની ટ્રેકીયોસ્ટોમી પણ બંધ કરાયેલ છે. શ્વાસ લેવામાં તથા જમવામાં કોઇ મુશ્કેલી નથી. ફીઝીયોથેરેપી દ્વારા તેમના હાથ પણ પહેલાની જેમ કામ કરતા થયા છે.

(2:40 pm IST)