Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

કેવડીયા આવતા નરેન્દ્રભાઇ માટે અભૂતપૂર્વ સુરક્ષા ચક્ર....

વડાપ્રધાનની આતંકવાદીની સાથે સાથે કોરોના થી રક્ષણ કરવા માટે આરોગ્ય ટીમો ઊંધા માથે. માલદીવથી સી પ્લેન કેવડિયા આવવા રવાનાઃ નરેન્દ્રભાઇ એકતા દિવસ પરેડની સલામી ઝીલશેઃ આઇએએસ ઓફિસરો સાથે વર્ચ્યુલ બેઠક યોજશેઃ આખરીઓપ અપાય રહ્યો છે : વડાપ્રધાનના બંદોબસ્તના અનુભવી સરહદી સુરક્ષા સંભાળી ચૂકેલા સીઆઇડી એસપી સૌરભ તોલંબીયાને મહત્વની જવાબદારીઃ દિલ્હીથી એસપીજી કમાન્ડો અને ઓફિસરોનું તુરતમા આગમનઃ વડોદરા રેન્જ વડા હરિકૃષ્ણ પટેલ સુકાની, ગુપ્તચર તંત્રની બાજનજર

રાજકોટઃ તા.૨૬,કેવડીયા કોલોની નર્મદા ખાતે સી પ્લેનના પ્રારંભ તથા રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી અંતર્ગત ગુજરાત આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી માટે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા અનુભવી એવા વડોદરા રેન્જ આઇ.જી. હરિકૃષ્ણ પટેલના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે ત્યારે પીએમ બંદોબસ્તમાં ભૂતકાળમાં વડાપ્રધાન બંદોબસ્તમાં પ્રસંશનીય કામગીરી બજવાનાર બોર્ડર વિસ્તારના અનુભવી સીઆઇડી ક્રાઇમના એસ.પી. સૌરભ તોલંબિયાને મહત્વની જવાબદારી સુપરત થયાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.

દરમિયાન સુત્રોમાંથી સાપડતાં નિર્દેશ મુજબ દિલ્હીથી વડાપ્રધાન સહિતના મહાનુભાવોની સુરક્ષા જવાબદારી સાંભળતા એસપીજીના ચુનંદા અધિકારીઓની ટીમ તુરત નર્મદા આવનાર છે.

અત્રે યાદ રહે વડાપ્રધાનશ્રીના બંદોબસ્ત માટે ગુજરાતમાં જેઓએ વર્ષો સુધી સુકાન સાંભળેલ તેવા હાલના સીબીઆઇના જોઇન્ટ ડિરેકટર મનોજ શશીધર દિલ્હી હોવાથી તેમની ખોટ ગુજરાતના તંત્રને વર્તાય રહી છે.

 વડાપ્રધાન શ્રી મોદીના બે દિવસના આગમન સંદર્ભે તેઓ ૩૦ તારીખે જ કેવડિયા આવી જશે. અહી એકતા દિવસની તેઓ સલામી ઝીલવા ઉપરાંત આઇએએસ અધિકારીઓની વર્ચ્યુલ બેઠક સંબોધવા સાથે નર્મદામાં ઉમેનારા વિવિધ આકર્ષણોનો પ્રારંભ કરાવશે. 

દરમિયાન સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર દ્વારા હાયડ્રો ટ્રાફિક અમલ કામગીરી પૂર્ણ થયેલ છે. માલદીવ થી સી પ્લેન કેવડિયા આવવાની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે. બંદોબસ્ત સ્ટાફના કોરોના ટેસ્ટ કામગીરી પણ પુર જોશમાં ચાલી રહી છે.આમ વડાપ્રધાનપદના આગમન તથા અન્ય કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

(3:40 pm IST)