Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

દશેરાના દિવસે વડોદરાવાસીઓ કારની ખરીદી માટે શો-રૂમોમાં ઉમટી પડતા કાર પણ ખૂટી પડી

વડોદરાઃ આજે દશેરાનો તહેવાર છે, ત્યારે શુભ મૂહુર્તમાં લોકો સારા કાર્ય કરતા હોય છે. આજના દિવસે વાહનોની ખરીદી પણ કરવામાં આવે છે. ત્યારે વડોદરાવાસીઓ સવારથી કારની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં લોકો કારની ખરીદી કરવા પહોંચતા શો-રૂમમાં કાર પણ ખૂટી પડી હતી.

સામાન્ય રીતે લોકો દશેરાના દિવસે નવા સામાન તેમજ વાહનની ખરીદી કરતા હોય છે. કારણ કે આ દિવસને નવી ખરીદી માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે. ત્યારે આજે શહેરના વિવિધ વાહનોના શોરૂમ પર નાગરિકોએ નવી કાર ખરીદવા માટે રીતસરની પડાપડી કરી. શોરૂમ પર ધાર્યા કરતાં વધારે બુકિંગ આવતા શોરૂમ માલિકો મૂંઝવણમાં મુકાયા હતા તો બીજી તરફ નવી કારની ખરીદી કરી ગ્રાહકો ખુશખુશાલ  જોવા મળ્યા હતા. હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે જેના કારણે નાગરિકો હવે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાનું ટાળી પોતાનું વાહન ખરીદવા તરફ દોરાયા છે.

ગત વર્ષ અને આ વર્ષ માં કારના વેચાણ પર ભારે તફાવત જોવા મળી રહ્યો છે. કાર બનાવતી કંપનીઓ દ્વારા સમયસર ડિલિવરીન અપાતા વડોદરા શહેરમાં કાર ખૂટી પડી છે. જેના કારણે અસંખ્ય ગ્રાહકોના નામ વેઇટિંગ લિસ્ટમાં જોવા મળી રહયા છે. આજના દિવસે બપોર સુધીમાં વડોદરા શહેરમાં એક હજાર ઉપરાંત કારનું વેચાણ થઈ ચૂક્યું છે. સાથે સાથે કંપની માંથી સમયસર ડિલિવરી ન થવાના કારણે આજનું વેચાણ ગત વર્ષ કરતા 15 ટકા ઓછું વેચાણ કહી શકાય તેમ શોરૂમ સંચાલકો જણાવી રહ્યાં છે.

(4:36 pm IST)