Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

અમદાવાદ મનપાની મોટી કાર્યવાહી : એસ,જી,હાઇવે પરની ગોકુલ હોટલ પાછળની વધુ 66 કરોડની જમીન ખુલી કરાવાઈ

બીજા ફાયનલ પ્લોટ પરનું બાંધકામ દૂર કરીને 27.50 કરોડની કિંમતની જગ્યા ખુલ્લી કરાઇ હતી

અમદાવાદ: મનપાએ મોટી કાર્યવાહી કરતા શહેરના એસ.જી. હાઇવે પરની ગોકુલ હોટલની પાછળ આવેલા મ્યુનિ. પ્લોટમાં થયેલ બાંધકામ તથા ફ્રેન્સીંગ તોડીને વધુ 66 કરોડની કિંમતના પ્લોટનું પઝેશન મેળવ્યું છે. અગાઉ 20મી ઓક્ટોબરના રોજ આ જ જગ્યા પરના બીજા ફાયનલ પ્લોટ પરનું બાંધકામ દૂર કરીને 27.50 કરોડની કિંમતની જગ્યા ખુલ્લી કરાઇ હતી.આમ આ જગ્યા પાછળ મ્યુનિ. પ્લોટમાં થયેલાં બાંધકામોને તોડી પાડીને કુલ 93.50 કરોડની જગ્યા ખુલ્લી કરી છે. આજે કોર્પોરેશને ફાયનલ પ્લોટ નં. 232, પ્લે ગ્રાઉન્ડ માટેના રિઝર્વ 9469 ચો.મી.નો મ્યુનિ. પ્લોટ પરથી 3 પાકા બાંધકામ તથા 4 કાચા બાંધકામો તથા 200 રનીંગ મીટરની દિવાલો/ ફ્રેન્સીંગ મળી 1400 ચો. ફૂટના બાંધકામો દૂર કર્યા છે.

 આ અગાઉ ફાયનલ પ્લોટ નં. 231 પરની સ્કૂલ તથા પ્લે ગ્રાઉન્ડ માટેના અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના રિઝર્વ પ્લોટના 592 ચો. ફૂટનું 4 પાકા બાંધકામ તથા 25 રનીંગ મીટર ક્રોસ વોલ દૂર કરવામાં આવી છે. 5492 ચો.મી.ના આ પ્લોટની બજાર કિંમત આશરે 27.50 કરોડની થાય છે. એક સપ્તાહમાં જ આ પ્લોટ પરના બંને દબાણો દૂર કરવામાં આવ્યા છે.જયારે પ્રહલાદનગર ગાર્ડનથી સ્યામલ ચાર રસ્તા સુધીના સમગ્ર આનંદનગર રોડ, શ્યામલ ચાર રસ્તાથી શિવરંજની ચાર રસ્તા થઇ સેટેલાઇટ રોડ ઇસ્કોન ચાર રસ્તા સુધીના માર્ગ પર આવતાં દબાણો તથા બે કાચા શેડ મળીને આશરે 200 ચો. ફૂટનું બાંધકામ દૂર કરાયું હતું.

નારણપુરા ચાર રસ્તા પાસે આવેલા લક્ષ્મી વાસણ ભંડાર તરીકે ઓળખાતી મિલ્કતના ફ્રન્ટ માર્જીનમાં 150 ચો. ફૂટનું શેડ પ્રકારનું બાંધકામ દૂર કરાયું છે. આ ઉપરાંત વસ્ત્રાલ વોર્ડમાં આવેલ ટી.પી. સ્ક્રીમ નં. 104 ફાયનલ પ્લોટ નં. 40 ઓપન સ્પેસ હેતુનો 1664 ચો.મી.નો મ્યુનિ. પ્લોટમાં મલ્લીનાથ પ્રભુ કો.ઓ. હા. સો.લી.ના રહેણાંક પ્રકારના મકાનોના માલિકો દ્રારા કમ્પાઉન્ડ વોલ તથા ઓટલા પ્રકારનું 1011 ચો. ફૂટનું બાંધકામ દૂર કરી મ્યુનિ. પ્લોટનો ખુલ્લો કબજો મેળવવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરમાં બિન અધિકુત બાંધકામો / બિલ્ડીંગો સામે ઝુંબેશ સ્વરૂપે બિન અધિકુત બાંધકામ દૂર કરવાની કાર્યવાહી આજે પણ જુદા જુદા ઝોનમાં હાથ ધરાઇ હતી. આજની કામગીરી દરમ્યાન આશરે 2761 ચો. ફૂટના બિન અધિકુત બાંધકામો દૂર કરાયા હતા.

આ બિન અધિકુત બાંધકામ સાથે અત્યારસુધીમાં કુલ 5,13,244 ચો. ફૂટના બિન અધિકુત બાંધકામો દૂર કરાયા છે. તથા 6450 મીટર લંબાઇના ટી.પી. રોડની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેવાની હોવાથી વધુ બિન અધિકુત બાંધકામ તૂટવાની શક્યતા છે. તેની સાથે ટી.પી. રોડની જગ્યા ખુલ્લી થઇ શકે છે.

(9:40 pm IST)