Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

અમદાવાદમાં દારૂની રેડ કરવા ગયેલી પોલીસને મળ્યા રોકડા 37 લાખ રૂપિયા

દારૂને બદલે ક્રિકેટ સટ્ટાના બુકીના ઘરમાંથી પોલીસને 37 લાખ રૂપિયા રોકડા મળ્યા

અમદાવાદના ઈસનપુર પોલીસને બગાસું ખાતાં પતાસું મળી આવ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. ઈસનપુર પોલીસને દારૂની બાતમી મળતાં તેઓ ટીમ સાથે રેડ પાડવા ગયા હતા. પણ આરોપીની ઘરમાંથી પોલીસને માત્ર એક જ બોટલ દારૂની મળી આવી હતી. પણ સાથે પોલીસને જે મળ્યું તે જોઈને ચોંકી ઉઠી હતી. કેમ કે આરોપીનાં ઘરમાંથી પોલીસને 37 લાખ રૂપિયા મળી આવ્યા હતા. ક્રિકેટ સટ્ટાના બુકીના ઘરમાંથી પોલીસને 37 લાખ રૂપિયા રોકડા મળ્યા હતા

અમદાવાદ શહેરની ઇસનપુર પોલીસને દારૂના જથ્થાની બાતમીમાં દારૂનો જથ્થો તો ન મળ્યો પણ રોકડાનો જથ્થો મળ્યો હોવાનું સામે આવ્યું છે.

પોલીસ દારૂનો જથ્થો શોધી રહી હતી તેવામાં ઘરમાંથી 37 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. ઈસનપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી પોલીસને મંગળવારે ભાડૂઆતનગરના શ્યામસાંઈ એપાર્ટમેન્ટમાં દારૂનો મોટો જથ્થો ઉતર્યાની બાતમી મળી હતી. પોલીસે બાતમી મુજબ ફ્લેટમાં રેડ કરતાં દારૂનો જથ્થો તો નહીં પણ સ્કોટલેન્ડ બનાવટની એક બોટલ જ મળી હતી. જો કે પોલીસે વધુ તપાસ કરતાં ફ્લેટના બે રૂમમાંથી અધધધ રૂ. 37 લાખની રોકડ મળી આવી હતી. જેને લઈને પોલીસે દંપતી સામે ગુનો નોંધ્યો હતો. જો કે આ કેસમાં પતિ ફરાર છે.

શ્યામ સાંઈ એપાર્ટમેન્ટમાંથી પોલીસે આ રોકડા સાથે સોનલ ચંદ્રાત્રેની ધરપકડ કરી છે. તેની પૂછપરછ કરતાં તેને પણ તેનો પતિ ક્યારે આવશે તે ખ્યાલ ન હોવાનું પોલીસને જણાવ્યું હતું. પણ પોલીસને એ વાત તો જાણવા મળી જ કે રૂપિયા રાખનાર આરોપી શાર્દુલ ક્રિકેટ સટ્ટાનો મોટાગજાનો બુકી છે. અને હાલ તે દુબઇ છે. આ નાણાં હવાલાથી મોકલ્યા હોવાની પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે. જે માટે હવે ઇન્કમટેક્સ સહિતની એજન્સીઓને પણ જાણ કરાશે.

સુત્રોનું માનીએ તો આ બેનામી રકમ બાબતે હજુ કોઈ ગુનો બની ન શકે. પણ તપાસમાં હકીકતો સામે આવશે તો તે મુજબની કલમો ઉમેરી કાર્યવાહી પોલીસ કરશે. ત્યારે હવે આ બુકી કેટલા સમયથી સટ્ટા બજારમાં સક્રિય છે અને તેની સાથે કેટલા લોકો સંકળાયેલા છે અને આ રૂપિયા કોના હતા ક્યાંથી આવ્યા તે તમામ દિશામાં તપાસ શરૂ કરાશે.

(10:13 pm IST)