Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

બનાસકાંઠાના આરોગ્ય વિભાગમાં રોજ-રોજ નવા ખુલાસા : ચાર કર્મચારીને ડીસામાંથી છુટા કરાયા

ડો.ફેન્સીએ NCD સેલમાં કરેલી ડો. મીનાક્ષી રાજપૂતની નિમણૂક અને અર્બન હેલ્થ સેન્ટર ડીસામાં 4 કર્મચારીઓની નિમણૂક ખોટી કર્યાનું સામે આવ્યું

બનાસકાંઠાનો ખૂબ ચર્ચિત કૌભાંડ કેસમાં રોજે-રોજ નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. માસ્ક અને ફ્લેક્સ બેનરના કૌભાંડ બાદ હવે ડો.ફેન્સીએ NCD સેલમાં કરેલી ડો. મીનાક્ષી રાજપૂતની નિમણૂક અને અર્બન હેલ્થ સેન્ટર ડીસામાં 4 કર્મચારીઓની નિમણૂક ખોટી કર્યાનું સામે આવ્યું છે.જો કે આ તમામ બાબતને લઈને આરોગ્ય મંત્રીએ આજે તપાસના આદેશ પણ આપ્યા છે.

કોરોનાના સમયમાં તત્કાલીન બનાસકાંઠાના આરોગ્ય અધિકારી મનીષ ફેન્સીએ પોતાની મનમાની ચલાવી અનેક બદલીઓ અંદરો-અંદર કરી હતી. પોતાના નજીકના ડૉક્ટરોને ગમતા સ્થળે ડેપ્યુટશન આપી હતી. જેમાં ધાનેરા તાલુકા ધરણોધરના આયુષ ડૉક્ટર મીનાક્ષી રાજપૂતને ધરણોધર ઉપરાંત જીલ્લાના NCD સેલમાં વધારાનો ચાર્જ આપ્યો હતો. જે ખરેખર ખોટી રીતે ચાર્જ આપવામાં આવ્યો હતો. NCD સેલમાં આયુષ ડૉક્ટરને ચાર્જ આપી ન શકાય તેવો નિયમ હોવા છતાં ડો. ફેન્સી ડો. મીનાક્ષી રાજપુતને જીલ્લાના NCD સેલમાં મુક્યા હતા

જેની જાણ અધિક નિયામક તબીબી સેવા ગાંધીનગરને પડતા તેઓએ થોડા સમય પહેલા ખુલાસો માગ્યો હતો. આખરે ગઈકાલે ડૉ.મીનાક્ષી રાજપૂતની NCD સેલમાંથી નિમણૂક રદ કરવામાં આવી છે.

એટલું જ નહીં આજે વધુ 4 કર્મચારીને ડીસામાંથી છૂટા કરવામાં આવ્યા છે. જેમાં ડીસાના THO જીગ્નેશ હરિયાણી અને ડૉ. મનીષ ફેન્સીની મિલઝૂલને લઈને આ કર્મચારીઓની નિમણૂક કરાઈ હતી. ડીસામાં 4 કર્મચારીઓને 13,000ના બદલે 30,000 પગાર આપવામાં આવતો હતો. જે લાયકાત કરતા વધુ પગાર હોવાનું અત્યારના જિલ્લાના આરોગ્ય અધિકારીના ધ્યાને જતા તેમને છુટા કરવા આદેશ કરાયો છે.

(11:13 pm IST)