Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

સરકારે શિક્ષકોના પગાર ના કાપવા સંચાલકોને અપીલ કરી

સ્કૂલ મેનેજમેન્ટ અસોસિએશને સરકારનો વિરોધ : લોકડાઉનના કારણે અનેક લોકોની આર્થિક સ્થિતિ નબળી પડી છે, એવામાં સ્કૂલ ફીમાં ઘટાડો કરવાની માગ કરી હતી

અમદાવાદ,તા.૨૭ : રાજ્ય સરકારે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોને વિનંતી કરી છે કે, ફી ઘટાડો કર્યા પછી શિક્ષકોના પગારમાં કાપ ના મૂકે કે સ્ટાફના સભ્યોની છટણી ના કરે. જોકે, સ્કૂલ મેનેજમેન્ટ અસોસિએશને સરકારના આ પગલાનો વિરોધ કરતા કહ્યું કે, સરકાર પાસે પગાર કાપવા કે છટણી કરતાં રોકવાની સત્તા નથી. હાલમાં જ ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને સ્કૂલ સત્તાધીશો વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં શાળા સંચાલકોએ કોવિડ-૧૯ સંકટના કારણે ૨૦૨૦-૨૧ના શૈક્ષણિક વર્ષમાં ટ્યૂશન ફીમાં ૨૫ ટકા ઘટાડો કરવાનો સરકારનો પ્રસ્તાવ માન્ય રાખ્યો હતો. કોરોના વાયરસ મહામારીના કારણે માર્ચના મધ્યમાં સ્કૂલો બંધ થતાં છેલ્લા ૬ મહિનામાં ઘણી સ્કૂલોએ શિક્ષકોની છટણી કરી અને પગાર પણ કાપ્યા હતા. સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ્સ મેનેજમેન્ટ અસોસિએશન ઓફ ગુજરાતના ઉપપ્રમુખ જતીન ભરાડે કહ્યું, *પગાર કાપવો અથવા સ્ટાફનું સંખ્યાબળ ઓછું કરવાનો નિર્ણય સંપૂર્ણપણે સ્કૂલોનો હોય છે અને તેમાં અસોસિએશન કોઈ ભાગ ભજવતું નથી. ૨૫ ટકા ફી ઘટાડાની અસર શિક્ષકોના પગાર પર થઈ શકે છે.

                 અમદાવાદ પ્રોગ્રેસિવ સ્કૂલ મેનેજમેન્ટ અસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ અર્ચિત ભટ્ટે કહ્યું, ફી નિયમન સમિતિની રચના પછી સ્કૂલો પાસે વધારાનું ભંડોળ બચતું નથી. રાજ્યમાં અંદાજિત ૬૦૦૦ સ્કૂલો છે જ્યાં વાર્ષિક ફી ૨૮,૦૦૦ રૂપિયાથી ઓછી છે. એવામાં ફી ઘટાડાના પગલે સ્કૂલોને ભારે નુકસાન થશે તો કેટલીક પર તો તાળા વાગી જશે. જતીન ભરાડે કહ્યું, સરકારે સ્કૂલો માટે આર્થિક પેકેજ જાહેર કરવું પડે તેવી સ્થિતિ આવી શકે છે. ભરાડનો દાવો છે કે, કોરોના વાયરસ અને લોકડાઉનની ૫૦ ટકા વાલીઓ પર આર્થિક દ્રષ્ટિએ ગંભીર અસર થઈ નથી. ઓલ ગુજરાત વાલી મંડળના કહેવા અનુસાર, કોરોના મહામારીના કારણે રાજ્યની સ્કૂલો ૧૮૦થી વધુ દિવસથી બંધ છે અને માત્ર ૪૦ ટકા વિદ્યાર્થીઓ જ ઓનલાઈન ક્લાસમાં અભ્યાસ કરી શકે છે.

(7:37 pm IST)