Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

સુરતના ધારાસભ્ય ઝાલાવડિયાના નામે બોગસ આધારકાર્ડ બનાવનાર વધુ એક આરોપી ઝડપાયો

ધારાસભ્ય ઝાલાવાડીયાના નામનો બોગસ સિક્કા મારી આધારકાર્ડ બનાવનારાઓ એક આધાર કાર્ડ દીઠ રૂ. 600 પડાવતા હતા

સુરત શહેરમાં ધારાસભ્ય વી.ડી.ઝાલાવડિયાના નામે ખોટો સિક્કો બનાવી આધાર કાર્ડ બનાવવાના પ્રકરણમાં કતારગામ પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના કતારગામ વિસ્તારમાં ધારાસભ્ય વી.ડી.ઝાલાવડિયાના નામે ખોટો સિક્કો બનાવી બોગસ આધાર કાર્ડ બનાવવામાં આવી રહ્યા હતા આ મામલે પોલીસે અગાઉ દરોડો પાડી ૫ જેટલા આરોપીની ધરપકડ કરી હતી હવે આ પ્રકરણમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે ઝડપાયેલા આરોપી ઉતમ ભીમજીભાઈ સાવલીયા જિલ્લાના ખોલવડ ગામે રહે છે અને તે સ્ટેમ્પ બનાવવાના ધંધા સાથે જ સંકળાયેલ છે

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ આ પ્રકરણમાં ઝડપાયેલા 5 આરોપીઓમાં મીતેષ વિનુભાઇ સેલીયા, સહેઝાદ સલીમભાઇ દીવાન, મેહુલકુમાર શૈલેષભાઇ પટેલ,મયુર રામજીભાઇ મોરડીયા, પરાગ કમલેશભાઇ વાઘેલાનો સમાવેશ થાય છે.આ તમામ ધારાસભ્ય ઝાલાવાડીયાના નામનો બોગસ સિક્કા મારી આધારકાર્ડ બનાવનારાઓ પાસેથી એક આધાર કાર્ડ દીઠ રૂ. 600 પડાવતા હતા તેઓ અરજદારનું ફોર્મ ભરી ધારાસભ્યના નામની ખોટી સહી તથા ખોટો સીક્કો મારી દેતા હતા . શહેરના અડાજણના પાલ વિસ્તારમાં આવેલા આધાર કાર્ડ સેન્ટરમાં આવા આધાર કાર્ડ બનતા હોવાની જાણ ધારાસભ્ય ઝાલાવાડિયાને થતા તેમણે પોલીસને જાણ કરી હતી અને બાદમાં પોલીસે આ સ્થળે છાપો આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું .

(8:46 pm IST)