Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

ગર્ભવતીને કોર્ટે સજા ફટકાર્યા બાદ જેલમાં બાળકનો જન્મ

બાળકની માતાને કોર્ટે જામીન પર મુક્ત કરી : પોક્સો, બળાત્કાર કેસમાં મહિલા આરોપીને મદદગારીના આરોપ સર નીચલી કોર્ટે પાંચ વર્ષની સજા ફટકારી હતી

અમદાવાદ ,તા.૨૭ : પોક્સો-બળાત્કાર કેસમાં મહિલા આરોપીને સ્પે. પોક્સો કોર્ટે મદદગારીના આરોપસર પાંચ વર્ષની સજા ફટકારી ૪ ઓગષ્ટના રોજ જેલમાં મોકલી આપી હતી. જેલમાં ગઇ ત્યારે મહિલા નવ મહિનાની ગર્ભવતી હતી અને જેલમાં ગયાના ગણતરીના દિવસોમાં તેમે બાળકને જન્મ આપ્યો હતો. ત્યારે આ મામલે હાઇકોર્ટમાં અપિલ થતા જસ્ટિસ ડો.એ.સી.જોષીએ જેલમાં ઉછરી રહેલા દોઢ માસના બાળકની માતાને જામીન પર મુક્ત કરી છે. આ સાથે જ હાઇકોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, અરજદાર મહિલા છે અને તાજેતરમાં જ બાળકને જેલમાં જન્મ આપ્યો છે. અપિલની સુનાવણી આવતા સમય થાય તેમ છે તેમ જ નીચલી કોર્ટમાં ટ્રાયલ ચાલી ત્યારે મહિલા આરોપી જામીન પર જ હતા. શહેરના નરોડા વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષિય કિશોરને લાલચ આપી અપહરણ કરી કલ્પેશ નંદલાલ પટેલ ઉપાડી ગયો હતો. ત્યારબાદ જુદી જુદી જગ્યાએ રાખી હતી અને બળાત્કાર ગુજાર્યો હતો.

             જેમાં મદદગારીના આરોપ સર લક્ષ્મી મકવાણા, રંજન ઉર્ફે રોશની મકવાણા, દલાભાઇ બલોચ અને અસ્મિતા બલોચની પોલીસે ધરપકડ કરી ચાર્જશીટ કરી હતી. આ કેસમાં ચાલ્યો તે દરમિયાન દલાભાઇ બલોચનું મોત થતા તેમના પુરતો કેસ અબેટ કરવામાં આવ્યો હતો. જ્યારે કેસ ચાલી જતા સેશન્સ કોર્ટે ૪ ઓગષ્ટ ૨૦૨૦ના રોજ કલ્પેશ, લક્ષ્મી અને રંજનને પાંચ-પાંચ વર્ષની કેદ કરી જેલમાં મોકલી આપ્યા હતા. નીચલી કોર્ટની સજા સામે હાઇકોર્ટમાં રંજન મકવાણાએ કન્વીક્શન અપિલ કરી હતી.  અપિલની સુનાવણી વખતે એડવોકેટ જગત પટેલે મૌખીક દલીલ કરી હતી કે,  આખાય કેસમાં આરોપીનો રોલ ખુબ સીમીત છે, તદઉપરાંત મહિલા  આરોપી અગાઉ દસ મહિના જેલમાં કાપી ચુકી છે, મહિલા જેલમાં ગયા બાદ તેને બાળકને જન્મ આપ્યો છે અને જેથી માતાની સાથે બાળક પણ જેલમાં ઉછરી રહ્યું છે, જેથી માનવતા કોર્ટે દાખલવવાની વિનંતી છે, આ કેસની અપિલ ચાલતા ઘણો સમય હજુ લાગે તેમ છે ત્યારે બાળક માતા સાથે જેલમાં રહે તે માનવતાની દ્રષ્ટીએ યોગ્ય નથી, ત્યારે કોર્ટે અપિલ જામીન આપવા વિનંતી છે.

(9:25 pm IST)