Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

આદિજાતિ વિસ્તારોમાં સિંચાઇ માટે પાણી પહોંચાડી વનબંધુ વિસ્તારની કાયાપલટની મુખ્યમંત્રી રૂપાણીની નેમ થશે સાકાર

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આદિજાતિ વિસ્તાર ઉમરપાડા-ડેડીયાપાડા તાલુકા માટે તાપી-કરજણ ઉદવહન સિંચાઇ યોજનાના રૂપિયા ૬૫૧ કરોડના કામોના ટેન્ડરને મંજૂરી આપી:સુરત અને નર્મદા જિલ્લાના ૭૩ આદિજાતિ ગામોને મળશે બારમાસી સિંચાઈ સુવિધા-૫૩૭૦૦ એકર જમીનને મળશે ઉદવહન સિંચાઇ યોજનાનો લાભ: ૩૬ મહિનામાં યોજના સાકાર થશે:૧૦૦ હયાત ચેકડેમ ભરવાનું અને ૩ મોટા ચેકડેમ બનાવવાનું આયોજન

અમદાવાદ : પ્રધાનમંત્રીના  જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરે ૨૦૫ આદિજાતિ ગામોને પીવાના પાણીની યોજનાની ભેટ બાદ એક જ સપ્તાહમાં આદિજાતિ વિસ્તારને  સિંચાઈ સુવિધાના કામની વધુ એક ભેટ વિજયભાઈ રૂપાણી એ આપી છે

 મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ પટ્ટીના સમગ્ર વિસ્તારને બારમાસી સિંચાઈની સુવિધા લિફ્ટ ઈરીગેશનથી આપવા
અત્યાર સુધીમાં સૌથી વધુ ઉદવહન સિંચાઇ  યોજનાઓ ના કામો મંજૂર કરીને વનબંધુ વિસ્તારોમાં   વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ માં પણ પાણી ની સુવિધા આપવાનો પુરુષાર્થ પાર પાડ્યો છે

  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આદિજાતિ વિસ્તારના આદિજાતિ ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ માટે સિચાઈ સગવડથી વંચિત રહેલા સુરત જિલ્લાના આદિજાતિ ઉમરપાડા તાલુકામાં અને નર્મદા જીલ્લાના ડેડિયાપાડા તાલુકામાં બારમાસી સિંચાઈ સુવિધા આપવા માટે રૂ. ૬૫૧ કરોડની રકમના ટેન્ડર તાપી કરજણ ઉદવહન સિંચાઇ યોજનાના કામો માટે મંજૂર કર્યા છે

   તાપી નદી પરના ઉકાઈ ડેમની જમણી બાજુના સુરત જિલ્લાના ઉમરપાડા અને નર્મદાના ડેડીયાપાડા તાલુકામાં ડુંગરાળ વિસ્તારમાં ચોમાસામાં ભારે વરસાદ પડે છે.એટલું જ નહી, ઉકાઈ અને કરજણ જળાશય જેવી મોટી યોજના તેમજ સરદાર સરોવર બંધ જેવી બહુહેતુક યોજનાઓ હોવા છતાં આ ડુંગરાળ વિસ્તારના આદિજાતિ ગામોમાં જાન્યુઆરી મહિના પછી પાણીની અછત વર્તાય છે અને વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિને કારણે આ વિસ્તારના ગામો સિંચાઈની સુવિધાથી પણ વંચિત રહેલા છે.
  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિજાતિ બેલ્ટના સર્વગ્રાહી વિકાસની નેમ સાથે આ વિસ્તારોમાં સિંચાઇ અને પીવાના પાણીની યોજનાઓના આયોજન-અમલને અગ્રિમતા આપેલી છે.

 વિજયભાઈ રૂપાણીએ આ હેતુસર ઉમરપાડા તાલુકાના ૫૧ અને ડેડીયાપાડા તાલુકાના ૨૨ મળી ૭૩ આદિજાતિ ગામોની ૫૩૭૦૦ એકર જમીનને બારમાસી સિંચાઈની સવલત આપવા તાપી-કરજણ ઉદવહન સિંચાઇ યોજના મંજુર કરેલી છે.  તેમણે આ યોજનાના કામોના રૂ. ૬૫૧ કરોડના ટેન્ડરને મંજૂરી આપતા હવે આ કામો ત્વરાએ શરૂ કરાશે.આ આદિજાતિ ગામોને સિંચાઇ માટે પાણી આપવા ૫૩ માળની ઊંચાઈ ના મકાન જેટલી ઊંચાઈ સુધી પાણી લિફ્ટ-ઉદવહન કરવાનું ઈજનેરી કૌશલ્ય આ યોજનામાં સાકાર થશે.  સમગ્ર યોજના ૩૬ મહિનામાં પૂર્ણ કરવાનું આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

આ યોજનાથી ૧૦૦ જેટલા હયાત ચેકડેમ ભરવાનું તેમજ ૨ કરોડ ૭૬ લાખના ખર્ચે ૩ નવા મોટા ચેકડેમ બનાવી તે પણ પાણીથી ભરીને સિંચાઇ સગવડ આપવાનું આયોજન છે.આ ઉદવહન સિંચાઈ યોજના ઉમરપાડા-ડેડીયાપાડાના આદિજાતિ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે તેમજ બારમાસી સિંચાઈ સુવિધા તેમને મળતી થવાથી હવે ખેતી દ્વારા આર્થિક સમૃદ્ધિની નવી દિશા આ વનબંધુ ધરતીપુત્રોને મળતી થશે.

  તાપી-કરજણ ઉદવહન સિંચાઇ યોજના અન્વયે ચાર પમ્પિંગ સ્ટેશન્સ બનાવામાં આવશે. તાપી નદી પરના ઉકાઇ જળાશયના સાતકાશી ગામે પ્રથમ પમ્પીગ સ્ટેશન નિર્માણ કરીને ૧૦ ફૂટની વ્યાસની પાઇપથી ૫૦૦ ક્યુસેક પાણી ઉપાડવામાં આવશે એટલું જ નહીં ઉમરપાડાના સરવાણ પાંચા આંબા તથા સાદડા પાણી ગામના તળાવો પણ આ જ પાઇપલાઇન યોજનાથી ભરવામાં આવશે.

  મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ સમગ્રતયા ૪ વર્ષમાં અત્યાર સુધીમાં આદિજાતિ વિસ્તારના સાત જીલ્લાઓ મહિસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, નર્મદા, તાપી અને ભરૂચના ૨૧   તાલુકાના ૫૯૦ ગામોને આવરી લેતી ૧૦ જેટલી ઉદવહન સિંચાઇ યોજનાઓના કામોને મંજૂરી આપી છે.મુખ્યમંત્રીએ આ લિફ્ટ ઈરીગેશન યોજનાઓ માટે કુલ રૂ. ૩૭૩૫ કરોડના કામો મંજૂર કરેલા છે. આ યોજનાઓના પરિણામે કુલ ૨,૩૦,૨૫૦ એકર આદિજાતિ વિસ્તારની જમીનને સિંચાઇનો લાભ મળશે અને સમગ્ર આદિજાતિ વિસ્તારની કાયાપલટ થતા કૃષિ વિકાસ-હરિયાળી ક્રાંતિની નવી દિશા ખૂલશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પાણીને વિકાસનો મુખ્ય આધાર બનાવી જલ શક્તિના મહિમા દ્વારા ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવાનો સંકલ્પ કર્યો છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૦માં જન્મદિવસ ગત ૧૭મી સપ્ટેમ્બરે સાગબારા, ડેડીયાપાડા, સોનગઢના આદિજાતિ ૨૦૮ ગામોને ઉકાઈ જળાશય આધારિત ૩૦૫ કરોડની પીવાના પાણીની યોજનાની ભેટ આપેલી છે હવે, માત્ર એક જ સપ્તાહમાં તેમણે ઉમરપાડા અને દેડીયાપાડા ના ૭૩  આદિજાતિ ગામોને આ ઉદવહન સિંચાઇ યોજનાના કામો શરૂ કરવાની ભેટ આપીને વનબંધુ વિસ્તારોમાં પીવાના અને બારમાસી સિંચાઈના પાણી આપીને કાયમી સુખ કરી આપવાની નેમ દર્શાવી છે.

(10:02 pm IST)