Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

અલ્પાબેને ૩૧૧ બીનવારસી મૃતદેહોની અંતિમવિધિ કરી છેઃ મહિલાઓ, અનાથો, બાળકો,પર્યાવરણ માટે પણ અભિયાન

મહિલા સશકિતકરણનું ઉદાહરણ આણંદના

આણંદઃ સામાન્ય રીતે કોઇ પણ વ્યકિતના મૃત્યુ પછી અંતીમ સંસ્કારમાં મહિલાઓ હાજર નથી રહેતી પણ આણંદની એક મહિલા અલ્પાબેન એક-બે નહી પણ ૩૦૦ થી વધુ બિનવારસી મૃતદેહોના અંતીમ સંસ્કાર કરી ચુકયા છે. તેઓ અંતિમક્રિયાની વિધીમાં પણ કોઇ કસર નથી રાખતા.

ચરોતરના સંપન્ન વિસ્તાર આણંદ જીલ્લાના બોરસદ તાલુકાના ભાદરણ ગામમાં જન્મેલ અલ્પાબેન ઘણા વર્ષોથી અંતિમ સંસ્કારનું કાર્ય કરી રહયા છે. તેમણે અત્યાર સુધીમાં ૩૧૧ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરી ચુકયા છે. જેની ઓળખ ન થઇ શકી હોય, જીલ્લાભરમાં પોલીસ દ્વારા કાગળની ઔપચારીકતા કર્યા બાદ મૃતદેહ અલ્પાબેનને સોંપી દે છે. અંતિમ સંસ્કાર બાદ તેઓ ધાર્મિક વિધી પણ કરે છે.

અલ્પાબેને જણાવેલ કે જયારે લાવારીસ મૃતદેહની અંતિમવિધી કરવાની શરૂઆત કરી ત્યારે લોકોએ સારી-નરસી બંને વાતો કરેલ. પણ તેને ધ્યાનમાં લીધા વિના આ કામ ચાલુ રાખ્યું. હવે બધા લોકો આ કાર્યને બીરદાવી રહયા છે. હવે કેટલાક દાતાઓ અને સ્વૈચ્છીક સંસ્થાઓ પણ મદદ કરી રહી છે.

અલ્પાબેન ઘર વિહોણા લોકોને અનાથ આશ્રમ પણ પહોંચાડે છે. તેઓ તેમને સ્વજનની જેમ આભાસ કરાવે છે. આવા દર-દર ભટકતા, ફુટપાથ ઉપર રહેતા ૧પ૦ લોકોને અનાથ આશ્રમ પહોંચાડી ચુકયા છે. ઉપરાંત તેઓ જેલમાં બંધ કેદીઓને પુસ્તકો આપી જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે.

મહિલાઓને સ્કીલ ડેવલોપમેન્ટ માટે પણ અલ્પાબેન પ્રશિક્ષણ આપે છે. સાથે જ નિરક્ષર મહિલાઓને શિક્ષણ આપવાનું કામ પણ કરે છે. તેમણે ૨૫૦ થી વધુ બહેનોને પગભર બનાવ્યા છે.

જે બાળકોનો કોઇ સહારો નથી તેમના માટે આર્થીક રૂપે પછાત ર૭ બાળકોને પણ શિક્ષણ આપે છે. સાથે જ પર્યાવરણલક્ષી કાર્યો કરે છે. અલ્પાબેન અત્યાર સુધીમાં ર૩પ૦૦ વૃક્ષો લગાવી ચુકયા છે. જેને તેમણે પીપળ વન અભિયાન નામ આપ્યું છે.

(2:34 pm IST)