Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

સુરતમાં જમીન કબ્‍જાના ગોરખધંધા સાથે સંકળાયેલ રાજન રાજપૂતની હત્‍યાઃ મોહનનગરની જમીન માટે માથાકુટમાં ભોગ લેવાયો

સુરત: નવા પોલીસ કમિશ્નર ક્રાઇમ કંટ્રોલની વાત કરી રહ્યા છે, પરંતુ સુરતમાં રોજ ગુનાખોરીની ઘટનાઓ બની રહી છે. જેમાં શહેરના પાંડેસરા વિસ્તારમાં જમીન દલાલની હત્યાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજન રાજેસિંગ રાજપૂત (ઉ.વ. 36) બમરોલીની આશિષ નગરનો રહેવાસી હતો. જમીન કબજાના ગોરખધંધા સાથે સંકળાયેલો હતો. મોહન નગરમાં કબજાને લઈ સવારે માથાકૂટ થઈ હતી. ત્યારબાદ રાજનની નિર્મમ હત્યા કરી હત્યારાઓ ભાગી ગયા છે.

જોકે, હત્યાની જાણ બાદ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. જેની હત્યા થઈ છે, તે રાજન યુપીનો રહેવાસી અને પાંડેસરા વિસ્તારમાં માથાભારે છાપ ધરાવે છે. સુરતમાં તે છેલ્લા બે વર્ષથી મોહન નગરમાં ખાલી પ્લોટ અને જમીનના કબજાને લઈ વિવાદમાં આવ્યા બાદ તેની હત્યા કરાઈ હોવાની ચર્ચાઓ બહાર આવી રહી છે. પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(5:03 pm IST)