Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

પિતા નરેશ કનોડિયાના અંતિમ સંસ્‍કાર સમયે પુત્ર હિતુ કનોડિયા ચોધાર આંસુએ રડી પડયાઃ ત્રણ દિવસના ગાળામાં પિતા અને મોટા બાપુજીના નિધનથી ભારે શોક

ગાંધીનગર: નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાના નિધનથી સૌથી મોટી ખોટ કનોડિયા પરિવારમાં પડી છે. હિતુ કનોડિયાએ બે જ દિવસમા પરિવારના બે મોભીને ગુમાવ્યા છે. તેઓએ બે દિવસના ગાળમાં જ મોટા બાપા અને પિતાને ગુમાવ્યા છે. ત્યારે સ્મશાન ગૃહમાં પિતા નરેશ કનોડિયાના અંતિમ સંસ્કાર કરતા સમયે તેઓ પોતાની લાગણી રોકી શક્યા ન હતા. તેઓ ચોધાર આસુંએ રડી પડ્યા હતા. ત્યારે ત્યાં ઉભેલા પરિવારજનોએ તેમને સહારો આપ્યો હતો. પરિવારના મોભીઓના એકસાથે નિધનથી તેઓ ભાંગી પડ્યા હતા. મહેશ-નરેશ કનોડિયાની યાદમાં ગવાતું ગીત ગાડીને તેઓ મીડિયા સામે પણ રડી પડ્યા હતા.

પિતાને અગ્નિદાહ આપ્યા બાદ પુત્ર હિતુ કનોડિયાએ મીડિયા સામે વાત કરી હતી. દુખદ હૃદયે તેઓએ કહ્યું હતું કે, આજે મિલેનિયમ મેગા સ્ટાર નરેશ કનોડિયા સવારે 9 વાગે ધામમાં ગયા છે. પરમ દિવસે મહેશ બાપા ધામમાં ગયા. ત્યારે બંને ભાઈઓ એક મિશાલ કાયમ કરીને ગયા છે. અત્યાર સુધી લોકો તેઓને રામલક્ષ્મણની જોડી કહેતા હતા. હવે તેઓએ સાબિત કરી કે તેઓએ એકસાથે મોત લઈને સાબિત કરી દીધું કે, ખરા અર્થમા રામ-લક્ષ્મણની જોડી છે.

આ પ્રસંગે પિતાની ફિલ્મનું એક ગીતહું તારો મેલુ અને હું તારી માલણ.. નું એક ગીત ગાતા સમયે હિતુ કનોડિયા રડી પડ્યા હતા. આ ગીતના પંક્તિઓ ગાતા તેઓ બોલ્યા હતા કે, ‘નાના છીએ, મોટા થઈશું... તોય કદીના છેટા રહીશુ, સાથે રહેશું, સાથે ફરીશું... સાથે જીવશું, સાથે મરશુ.... તેઓ સાથે જ જીવ્યા હતા અને સાથે જ મર્યા છે. સમાજ માટે તેઓને ખૂબ જ પ્રેમ હતો. કુટુંબ માટે તેમને પ્રેમ હતો. કલાકાર તરીકેની મોટી ફરજ તેઓએ બજાવી છે. હવે તેમના નિધન બાદ સ્વર્ગમાં મહેશ નરેશ એન્ડ પાર્ટીની ધમાલ ચાલતી હશે.

ઉલ્લેખનીય છે કે, મહેશ અને નરેશ કનોડિયાએ અનેકવાર જાહેરમાં આ ગુજરાતી ગીત પર પરર્ફોમન્સ આપ્યું છે. અનેક જાહેર કાર્યક્રમોમાં બંને ભાઈઓ સ્ટેજ પર આ ગીત સાથે લલકારતા જોવા મળ્યા હતા. જેના વીડિયો પણ ફરતા થયા છે.

(5:09 pm IST)