Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

રાજકોટ-અમદાવાદ-સુરત-વડોદરાની અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણી કરવાની અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી

અમદાવાદ, તા.૨૮: અમદાવાદ, સુરત, વડોદરા, અને રાજકોટની કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવાની દાદ માગતી જાહેર હિતની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે ઓર્ડર કર્યાબાદ અરજદારે દલીલ કરી હતી કે કોર્ટ શરૂ નહીં થાય તો હવે અમારે શું કરવું?

હાઇકોર્ટે ઓર્ડર કર્યા બાદ વકીલો દલીલ કરતા કોર્ટે એવી ટકોર કરી હતી કે, તમારે શું કરવાનું? તે અંગે ભાષણ પબ્લિક પ્લેટફોર્મ પર જઇને આપવાનું કોર્ટે નારાજગી દર્શાવીને એવી પણ ટકોર કરી હતી કે, તમે અરજીમાં જુદા-જુદા મુદા લઇ આવ્યા છો. તમને જ ખબર નથી કે તમારી કોર્ટ સમક્ષ અરજી શું છે? જેલના કેદીઓ વિશે વાત કરો છો, કોર્ટ ખોલવા દલીલ કરો છો કે સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવાની વાત કરો છો? કોઇ મુદા વચ્ચે સંકલન નથી. અરજદારે એવી દલીલ કરી હતી કે તમામ તાલુકા અને જીલ્લા કક્ષાએ કોર્ટ શરૂ કરી દેવામાં આવી છે. ચાર મહાનગરોમાં શરૂ કરવાની મંજુરી આપો. ૧૦ માસથી નીચલી કોર્ટો બંધ રહેવાના કારણે રાજયના ૫૫ હજાર વકીલોની હાલત અત્યંત કફોડી બની ગઇ છે. જો થોડા સમયમાં કોર્ટ શરૂ નહીં થાય તો અનેક વકીલોને રોજીરોટી માટે બીજો વ્યવસાય પસંદ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.

(3:20 pm IST)