Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી માટે દાવેદારોનો રાફડો ફાટતા સંગઠન માટે ચિંતાઃ ગાંધીનગર લોકસભાની સંગઠન બેઠકમાં ચર્ચા-વિચારણા કરાશે

અમદાવાદ: અમદાવાદ મનપાની ચૂંટણી માટે આજે શહેર ભાજપની બેઠક મળવાની છે. જેમાં 4 વિધાનસભા બેઠકના આગેવાનો સાથે બેઠક થશે. અમદાવાદ શહેર ભાજપ પ્રભારી આઈ.કે. જાડેજાએ આ બેઠક બોલાવી છે. અમદાવાદ શહેરમાં દાવેદારોનો રાફડો ફાટતા શહેર સંગઠન માથાપચ્ચી કરી રહ્યું છે. સાંજે 4 કલાકે ગાંધીનગર લોકસભાની પણ સંકલન બેઠક મળશે. જેમાં ગાંધીનગર લોકસભા વિસ્તારના તમામ વોર્ડની દાવેદારી અંગે ચર્ચા થશે. આ બેઠકમાં શહેર પ્રમુખ જગદીશ પંચાલ, સ્થાનિક ધારાસભ્યો અને હોદ્દેદારો હાજર રહેશે.

    અમદાવાદમાં 192 બેઠકો માટે 2037 દાવેદારો

    સુરતમાં 120 બેઠકો માટે 1949 દાવેદારો

    વડોદરામાં 76 બેઠકો માટે 1451 દાવેદારો

    રાજકોટમાં 72 બેઠકો માટે 681 દાવેદારો

    જામનગરમાં 64 બેઠકો માટે 543 દાવેદારો

    ભાવનગરમાં 52 બેઠકો માટે 596 દાવેદારો

નોંધનીય છે કે, ભાજપમાં મનપાની ચૂંટણી માટે મોટી સંખ્યામાં દાવેદારો ઉમટ્યા છે. 6 મનપા માટે 7,257 લોકોએ દાવેદારી કરી છે. આ તમામ લોકોએ ભાજપ પાસેથી ટિકિટ માંગી છે. અમદાવાદમાં 5 હજારથી વધુ આગેવાનો, કાર્યકરોએ ફોર્મ ભર્યા હતા. જો કે શહેર ભાજપે તમામ નિયમો ધ્યાનમાં રાખીને ફક્ત 2037 ફોર્મને મંજૂરી આપી હતી. અમદાવાદમાં દરેક વોર્ડમાં સરેરાશ 43 દાવેદારોએ ટિકિટની માંગ કરી છે. નિરીક્ષકોએ 2 દિવસ સેન્સ લીધા બાદ શહેર ભાજપ સાથે સંકલન બેઠક યોજી હતી, જેમાં 2037 દાવેદારોની દાવેદારી અંગે ચર્ચા થઈ હતી.

અમદાવાદ શહેર સંગઠન ભાજપ નું સૌથી મોટું અને સક્રિય સંગઠન છે, ત્યારે સ્થાનિક કાર્યકરો અને આગેવાનોને નારાજગી ન થાય તે રીતે ટિકિટની વહેંચણી પ્રદેશ આગેવાનો માટે માથાનો દુખાવો બનશે. શહેર ભાજપ સંગઠનમાં છેલ્લા 2 વર્ષથી સતત ધારાસભ્યો અને સ્થાનિક આગેવાનોની નારાજગી પ્રદેશ સ્તર સુધી પહોંચી હતી. ત્યારે આ વખતે 6 ધારાસભ્યો અને 2 સાંસદોની ગેરહાજરીમાં જ સંકલન બેઠક યોજાતા ફરી વિવાદ થયો હતો. જો કે 1 ફેબ્રુઆરીએ મળનારી પ્રદેશ ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં શહેર સંગઠનના હોદ્દેદારો સાથે ધારાસભ્યો અને સાંસદોને પણ સાંભળવામાં આવશે.

(5:07 pm IST)