Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

બે હાથનું જાર ઍક જ હાથથી લગાવીને સુરતની દિવ્યાંગ યુવતી વૈશાલી પટેલે બેડમિન્ટનમાં મેળવ્યા નેશનલ કક્ષાઍ સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલ

સુરત: બે હાથનું જોર એક જ હાથથી લગાવીને સુરતના પેરા એથ્લીટ વૈશાલી પટેલે નેશનલ ચેમ્પિયનશિપમાં નામના મેળવી છે. અનેક મેડલ પોતાના નામે કર્યાં છે. બાળપણથી જ પોલિયોને કારણે તેના ડાબા હાથમાં કચાશ રહી ગઈ હતી. જોકે 30 વર્ષની ઉંમરે તેણે બેડમિન્ટનમાં નેશનલ રમવાનું ચાલુ કર્યું અને સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

પેરા બેડમિન્ટન પ્લેયર વૈશાલી પટેલ ત્રણ વર્ષની હતી, ત્યારે જ પોલિયોગ્રસ્ત થઈ હતી. આગળ જતાં તેનું શરીર તો રિકવર થઈ ગયું હતું. પરંતુ તેમના ડાબા હાથમાં કચાશ રહી ગઈ. દિવ્યાંગતા હોવા છતાં તેણે હિંમત હારી નહિ. દરેક રુટિન કામ તે સામાન્ય લોકોની જેમ જ સ્પીડમાં અને જાતે જ કરે છે. ત્રણ વર્ષ હોસ્ટેલમાં રહી માસ્ટરનો અભ્યાસ કર્યો. જેના પરિણામે તેને સરકારી નોકરી પણ મળી ચૂકી છે. 34 વર્ષની વૈશાલી પટેલ જ્યારે 26 વર્ષની હતી, એ સમયે તેમનો રસ બેડમિન્ટન રમવામાં હતો. પરંતુ તેમને કઈ કેટેગરીમાં જવુ તેની માહિતી ન હતી. તે એક અઠવાડિયા માટે નવસારીનાં લુન્સીકૂઈ ખાતે જ્યાં ખેલાડીઓ રમતા હતા ત્યાં માત્ર જોવા માટે ગયા. કોચને વૈશાલીને જોઈને નવાઈ લાગી અને પોતાને ત્યાં આવવા માટેનું કારણ પૂછ્યું હુતં. વૈશાલી પટેલે આ ગેમમાં પોતાનો રસ હોવાનું જણાવ્યું હતું.

ત્યાર પછી કોચે તેને ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી. વૈશાલીનો એક જ હાથ કામ કરતો હતો, પરંતુ તેનો બીજો હાથ એટલે કે જમણો હાથ એટલો બધો પાવરફુલ હતો કે, તે આ ગેમ માટે પરફેક્ટ હતા. આ હાથથી ફટકારેલા તેના ટોસ બેક લોબીમાં જતા. જેને કારણે કોચે વૈશાલીને નેશનલ રમવા માટે પ્રોત્સાહન આપ્યું. 30 વર્ષની ઉંમરે તેણે નેશનલ રમવાનું ચાલુ કર્યું. માર્ચ 2017-18માં તેણે યુપી ખાતે પેરા બેડમિન્ટન ડબલ્સમાં સિલ્વર અને સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. કોન્ફિડન્સ આવતા તેણે તે જ વર્ષે દુબઈમાં પહેલી ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં રમી. પરંતુ દુર્ભાગ્યલશ જીતી ન શકી ન હતી.

વૈશાલી પટેલ કહે છે, મારા કોચે મારી રમત જોઈને મને નેશનલ્સ રમવા માટે પ્રોત્સાહન આપ્યું. મને જરા પણ આઈડિયા ન હતો કે હું આટલું સારું રહી શકીશ. નેશનલમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આવ્યા ત્યારે મારો કોન્ફિડન્સ વધ્યો. આજે હું ઈન્ટરનેશનલ રમત રમવા માટે અઠવાડિયામાં પાંચ દિવસ રોજ બે કલાક પ્રેક્ટિસ કરી રહી છું. હુ ત્યાં પણ મેડલ મેળવી શકીશ.

(5:09 pm IST)