Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

આજે પોષી પૂનમઃ અંબાજી માતાજીના પ્રાગટ્ય દિવસે યાત્રાધામમાં ભાવિકોની ભીડઃ શોભાયાત્રા-સાંસ્કૃતિક કાર્યક્રમો રદ્દઃ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન

અંબાજી: આજે પોષી પૂનમનો દિવસ એટલે માતાજીનો પ્રાગટ્ય દિવસ કહેવાય છે. આજે પોષ સુદ પૂર્ણિમા મા અંબાનો પ્રાગટ્યોત્સવ કહેવાય છે. કોરોના મહામારી વચ્ચે આજે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં પાટોત્સવની સાદગીપૂર્ણ ઉજવણી કરાઈ હતી. મંદિરમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી હતી. જોકે, બહારથી આવતા યાત્રિકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. કોરોના ગાઈડલાઈનને પગલે મંદિરમાં શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમો રદ્દ કરાયા હતા. મંદિરના ચાચર ચોકમાં સોશ્યિલ ડિસ્ટન્સ સાથે મહાશક્તિ યજ્ઞનો પ્રારંભ થયો હતો. જિલ્લા કલેક્ટરના યજમાન પદેથી યજ્ઞની શરૂઆત થઈ હતી.

તો સાબરકાંઠામાં પણ આજે પોષી પૂનમનો દિવસ ઉજવાઈ રહ્યો છે. ખેડબ્રહ્મામાં અંબિકા માતાજીનો આજે પ્રાગટ્ય દિવસ ઉજવાયો છે. ત્યારે આજે વહેલી સવારે માતાજીને 51 દીવડાની આરતી કરવામાં આવી હતી. આજની પોષી પૂનમને શાકંભરી પૂનમ પણ કહેવાય છે. માતાજીના પ્રાગટ્ય દિવસે એક ભક્તે માવાની કેક અર્પણ કરી હતી. 64 દીવા પ્રગટાવીને માતાજીને 600 કિલોનો ભવ્ય અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. ભક્તોએ કોરોનાના કારણે ગાઈડલાઈનના પાલન સાથે દર્શન કર્યા હતા.

તો બીજી તરફ, અંબાજી માં ભરાતો ભાદરવી પૂનમ મેળો 2020માં કોરોના મહામારીને લઈ બંધ રાખવામાં આવ્યો હતો. જેને લઈ પગપાળા સંઘો અંબાજી પહોંચી શક્યા ન હતા. ને હવે મંદિર ખૂલ્યા બાદ કેટલીક છૂટછાટને પગલે સંઘો અંબાજી પહોંચી રહ્યા છે. 1400 જેટલા પગપાળા સંઘોનું પ્રતિનિધિત્વ કરતુ ભાદરવી પુનમીયા સેવા સંઘ ટ્રસ્ટના આગ્રણીઓ સાયકલ ચલાવો પર્યાવરણ બચાવો ના સંદેશા સાથે અંબાજી પહોંચ્યું હતું. 60 જેટલા સાયકલ ચાલકોએ ગાંધીનગરથી અંબાજીની યાત્રા પૂર્ણ કરી માતાજીને ધજા ચઢાવી હતી. આ સાયકલ યાત્રામાં અંબાજી પહોંચતા આદિવાસી કન્યાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું.

(5:09 pm IST)