Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

૧ માર્ચથી ગુજરાત સરકારનું બજેટ સત્રઃ ૨૪ દિવસ દરમિયાન લવ જેહાદ સહિત અનેક સુધારા વિધેયકો ગૃહમાં રજૂ કરાશે

ગાંધીનગર: આગામી 1 માર્ચથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. આ બજેટ સત્ર 24 દિવસ સુધી ચાલશે. આ બજેટ સત્રમાં લવ જેહાદ સહિત અનેક સુધારા વિધેયકો ગૃહમાં રજૂ કરવામાં આવશે. જોકે, આ બજેટ સત્ર બન્ને પક્ષે તોફાની બનવાની શક્યતા છે.

રાજ્ય સરકારના અલગ અલગ વિભાગ ઉપરાંત નાણાં વિભાગમાં બજેટ લક્ષી કામગીરીને આખરી ઓપ આપવાની તૈયારીઓ ચાલી રહી છે. જોકે, સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગૃહમાં સંબોધન કરશે અને ત્યારબાદ રાજ્યના બે પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઇ પટેલ અને સ્વ. માધવસિંહ સોલંકીને ગૃહમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

રાજ્યપાલના સંબોધન બાદ આભાર પ્રસ્તાવ ઉપર ત્રણ દિવસ સુધી ચર્ચા ચાલશે જ્યારે અંદાજપત્રની સામાન્ય ચર્ચા 5 દિવસ સુધી ચાલશે. અંદાજપત્રની માંગણીઓ ઉપર 12 દિવસ ચર્ચા માટે ફાળવવામાં આવ્યા છે. જેમાં સત્તા પક્ષ અને વિપક્ષ દ્વારા વિધાનસભાગૃહમાં ધાંધલ ધમાલની શક્યતા છે.

રાજ્ય સરકાર લવ જેહાદ સહિત અન્ય સુધારા વિધેયક ગૃહમાં રજૂ કરશે. આ બજેટ સત્રમાં કેગનો ઓડિટ અહેવાલ પણ રજૂ કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી 1 માર્ચથી શરૂ થશે ત્યારે લવ જેહાદ, કેન્દ્રીય કૃષિ બિલ જેવા વિવિધ મુદ્દે ગૃહમાં ઉગ્ર ચર્ચા થશે.

(5:11 pm IST)