Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

અમદાવાદમાં વ્યાજખોરો બેફામઃ પલક અને દિપલને કહી દેજા રૂપિયા ચુકવી દે નહીં તો કાપી નાખીશુઃ ૧૭ લાખની રકમ સામે અઢી કરોડ માંગ્યા

અમદાવાદ: અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશનમાં બુધવારે ચંદલોડીયા અને ઘાટલોડીયામાં રહેતા વ્યાજખોરોના ત્રાસ અને ધાકધમકીની બે ફરિયાદો નોંધાઈ છે. એક કિસ્સામાં મિત્રને રૂ.17 લાખ બહારથી વ્યાજે લેવા પોતાના અને સાળાના ચેક સિક્યુરિટી પેટે આપનાર યુવક જોડે વ્યાજખોરે ઉઘરાણી કરી 17 લાખ સામે અઢી કરોડની માંગણી કરી અને ઘરમાં ઘુસી કાપી નાંખવાની ધમકી આપી હતી. અન્ય કિસ્સામાં ચાર વર્ષ અગાઉ રૂ.20 લાખની રકમ 10 તક વ્યાજે લેનાર યુવકે મૂડી અને વ્યાજ થઈ રૂ.39 લાખનું ચુકવણું કરી દીધું હતું. તેમ છતાં માથાભારે ભાઈઓની ત્રિપુટીએ બીજા રૂ.20 લાખની માંગણી કરી યુવકના ઘરે જઈ તોડફોડ કરી ધમકી આપી હતી.

થલતેજના ગુલાબ ટાવર પાસે નંદેશ્વર ટેનામેન્ટમાં રહેતા પલક હર્ષદ પટેલ (ઉં,31)નાઓ સાઈટ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે. પલક સાથે તેનો સાળો દીપલ અશ્વિન પટેલ રહે છે. પલક અને દીપલનો મિત્ર મંથન મયંક શાહ રહે, ક્રિષ્ણા હાઈટસ ગણેશ જેનેસીસ સામે, જગતપુર છેલ્લા કેટલાક સમયથી ધંધામાં નુકશાન જવાથી કયાંક જતો રહ્યો છે.

મંથનએ ધંધામાં વધુ પૈસાની જરૂર પડતા પલકને જણાવ્યું હતું કે, મુકેશ દેસાઈ પાસે મેં પૈસા લીધા હોવાથી તે મને પૈસા નહી આપે પણ જો તમે મને ચેક આપશો તો તે મને બીજા રૂ.17 લાખ આપશે. પલક અને દીપલએ મિત્ર મંથનને મદદ કરવાના હેતુથી સહી કરી પોતાના ચેક તારીખ વગરના આપ્યા હતા. જે ચેક પર મુકેશ દેસાઈએ મંથનને પૈસા આપ્યા હતા. ઓક્ટોબર,2019 સુધી મંથનએ મુકેશને વ્યાજ ચૂકવ્યું બાદમાં ધંધામાં નુકશાન જતા તે ક્યાંક ચાલ્યો ગયો હતો. આથી મુકેશ અમીન દેસાઈએ પલક અને દીપલ પાસે 17 લાખની સામે અઢી કરોડની ઉઘરાણી શરૂ કરી હતી.

આમ મંથનને આપેલા રૂપિયામાં સિક્યુરિટી આપનાર પલક અને દીપલને છેલ્લા એક વર્ષથી અપશબ્દો બોલી ધાકધમકી આપી મુકેશ રૂ.અઢી કરોડની માંગણી કરી રહ્યો છે. ગત મંગળવારે પ્રજાસત્તાક દિવસે મુકેશ તેના બે મિત્રોને લઈ પલકના ઘરે પહોંચ્યો હતો. આરોપીઓએ પલકની પત્ની અને માતાને અપશબ્દો બોલી ધમકી આપી હતી કે, પલક અને દીપલને કહી દેજો રૂપિયા ચૂકવી દે નહીં તો કાપી નાંખીશુ.

બીજા દિવસે ફરી મુકેશએ ફોન કરી પલકને અપશબ્દો બોલી પૈસાની ઉઘરાણી કરતા સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસેઆરોપી મુકેશ અમીન દેસાઈ રહે, શ્રીનાથ નિરંજનનગર સોસાયટી, પાવાપુરી,ઘાટલોડિયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય ફરિયાદમાં ચાણક્યપુરીમાં રહેતા અને ખાનગી કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ તેજભાઈ દેસાઈએ ભગીરથ હાઉસીંગના મકાન, શાયોના ગળનાળા પાસે, ચાંદલોડીયા ખાતે રહેતા સંજય મફા દેસાઈ, તેના ભાઈઓ કિરણ અને વિપુલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ ચાર વર્ષ અગાઉ મુકેશ દેસાઈએ સંજય અને તેના ભાઈઓ પાસેથી રૂ.20 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા. આ અંગે મૂડી અને વ્યાજના રૂ.19 લાખ થઈ કુલ 39 લાખની રકમ મુકેશભાઈએ ચૂકવી દીધી હતી.

તેમ છતાં સંજય અને તાના ભાઈઓ બુધવારે મુકેશભાઈના ઘરે જઈ વધુ રૂ.20 લાખની ઉઘરાણી કરતા હતા. આરોપીઓએ મુકેશભાઈના ઘરની બારીઓના કાચ તોડી નાખ્યા અને એક્ટિવા પાડી દીધું હતું. આરોપીઓએ જેમફાવે તેમ બોલી આજે તો મુકેશને જાનથી મારી નાંખવો છે, ઘરની બહાર કાઢો તેમ કહેતા હતા.

બનાવ અંગે મુકેશભાઈને પત્નીએ ફોન કરી જાણ કરી હતી. મુકેશભાઈએ આ અંગે ત્રણે આરોપીઓ વિરૂધ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

(5:13 pm IST)