Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

વલસાડ પાલિકાની સભામાં સ્ટ્રીટ લાઇટ અને શૌચાલય મુદ્દે હોબાળો

સામાન્ય સભામાં વિવિધ સમિતિની રચના:વરિષ્ઠ સભ્ય પ્રવિણ કચ્છી, સોનલબેન સોલંકી, કિરણભાઇ ભંડારી, તત્કાલિન પ્રમુખ પંકજભાઇ આહીર, જેવા અનેક સભ્યોની અવગણના :વિરોધમાં પ્રવિણ કચ્છીએ એક પણ સમિતિમાં નહી રહેવા જણાવ્યું

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડની નગરપાલિકાની સામાન્ય સભામાં સ્ટ્રીટ લાઇના મુદ્દે ચીફ ઓફિસર પર અપક્ષોએ રોષ ઠાલવ્યો હતો. તેમજ શૌચાલયના મુદ્દે મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. જેને લઇ સભા સમરાંગણમાં ફેરવાઇ ગઇ હતી.

વલસાડ નગરપાલિકાની સામાન્ય સભામાં વિરોધ પક્ષના સોનલ પટેલે સ્ટ્રીટ લાઇટ બંધ હોવાનો બળાપો ઠાલવ્યો હતો. તેમણે શહેરની લાઇટ શરૂ થવાના માત્ર વાયદા કરાતા હોવાના આક્ષેપો ચીફ ઓફિસર જે. યુ. વસાવા પર કર્યા હતા. આ સિવાય એક બીજાની વાત કાપવાના મુદ્દે ઉજેશ પટેલ, સોનલબેન પટેલ, રમેશ ડેની, યશેશ માલી વગેરે વચ્ચે ભારો હોબાળો મચ્ચો હતો. વિના કારણનો આ હોબાળો મચ્યો ત્યારે જ મદનવાડ વખારિયા હોલ પાછળના વિસ્તારમાં રહેતી મહિલાઓનો મોરચો સામાન્ય સભામાં ધસી આવ્યો હતો. જેની આગેવાની ભાજપના જ સભ્ય પ્રવિણ કચ્છીએ લીધી હતી. આ મહિલાઓ તેમના વિસ્તારમાં આવેલા જાહેર શૌચાલયની મરામતની રજૂઆત કરવા આવી હતી. અનેક વખત રજૂઆત થવા છતાં તેમના માત્ર બે શૌચાલયો પણ રીપેર થઇ ન શકતાં તેમણે જાહેરમાં કુદરતી હાજતે જવું પડે એવી પરિસ્થિતિ સર્જાઇ હતી. જેના કારણે તેમણે સામાન્ય સભામાં મોરચો લાવવો પડ્યો હતો. જેમની સાથે લાવેલું ડબ્બુ પ્રવિણ કચ્છીએ સભામાં ઉછાળ્યું હતુ.
આજની સામાન્ય સભામાં વિવિધ સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં વરિષ્ઠ સભ્ય પ્રવિણ કચ્છી, સોનલબેન સોલંકી, કિરણભાઇ ભંડારી, તત્કાલિન પ્રમુખ પંકજભાઇ આહીર, જેવા અનેક સભ્યોની અવગણના થઇ રહેલી જોવા મળી હતી. જેના વિરોધમાં પ્રવિણ કચ્છીએ એક પણ સમિતિમાં નહી રહેવા જણાવ્યું હતુ.

(8:42 pm IST)