Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

રૂ.૩૯ લાખની ફોર્ચ્યુનર માટે હરાજીમાં રૂ.૩૪ લાખનો '૭' નંબર ખરીદ્યો !

'સત્તા'માટે ટ્રાન્સપોર્ટર આશિક પટેલની 'આશિકી' : '૭' નંબર માટે એક કરતા વધુ અરજદારો હોઇ ઓનલાઇન હરાજી થઇ : ટ્રાન્સપોર્ટરે રૂ.૩૪લાખની બોલીથી હરાજીમાં પસંદગીનો નંબર મેળવ્યો

અમદાવાદ,તા. ૨૭: અમદવાદ આરટીઓમાં ગાડીની  કિંમતજેટલીજ રકમનો નંબર લેવામાં આવ્યો  હોવાની રસપ્રદ વિગત સામે આવી છે. ટ્રાસપોર્ટના  ધંધા સાથે સંકળાયેલા એક યુવકે રૂ. ૩૯ લાખની કિંમતની કાર માટે પસંદ કરેલા '૭' નંબર માટે રૂ. ૩૪ લાખ જેટલી તોતિંગ રકમ ખર્ચી નાંખી હતી. આ નંબર માટે એક કરતા વધુ અરજદારો હોવાથી નંબરની હરાજી કરવામાં આવી હતી અને બોલી રૂ. ૩૪ લાખ પર જઈને અટકી હતી. અમદાવાદ આરટીઓમાં  કોઈ એક નંબર માટે આટલી મોટી રકમ ઉપજી હોય તેવી કદાચ આ પ્રથમ ઘટના હશે.

અમદાવાદ આરટીઓ દ્વારા પસંદગીના નંબર માટે ઓનલાઈન ઓકશન રાખવામાં આવતા હોય છે. નવી સિરીઝ ખુલે ત્યારે પસંદગીના નંબર માટે દરખાસ્ત મંગાવવામાં આવે છે અને જો કોઈ એક નંબરમાટેએક કરતા વધુ અરજદારોએ રસ દાખવ્યો હોય તો તે સંજોગોમાં હરાજી કરવામાં આવે છે. પસંદગીના નંબર માટે પણ ગોલ્ડન નંબર, સિલ્વર નંબર અને અન્ય નંબર એમ ત્રણ કેટેગરી પાડવામાં આવેલી છે. ગોલ્ડન નંબરમાં આવતા હોય તેવા નંબરે રૂ. ૨૫ હજારમાં, સિલ્વર નંબરો માટે રૂ. ૧૦ હજાર અને અન્ય નંબરો માટે રૂ. ૫ હજાર ભરવાના હોય છે. દરમિયાન, ૨૪ નવેમ્બરે અમદાવાદ આરટીઓમાં ફોર વ્હીલરની નવી સિરીઝની હરાજી થઈ હતી. જેમાં ૯૫ સિરીઝ માટે થયેલી દરખાસ્તમાં '૭'નંબર માટે એક કરતા વધુ અરજદારોએ અરજી કરી હતી. તેના પગલે આ નંબરની ઓનલાઈન હરાજી કરવામાં આવી હતી. હરાજી શરૂ થયા બાદ એક પછી અરજદારો બોલી લગાવતા ગતા હતા અને બોલી ધીમેધીમે કરતા રૂ. ૩૦ લાખને વટાવી ગઈ હતી. ત્યાર બાદ પણ બોલી ચાલુ રહેતા છેવટે રૂ. ૩૪ લાખમાં આ નંબર વેચાયો હતો. આ નંબર ખરીદનાર આશિક પટેલ એક ટ્રાન્સપોર્ટર છે અને તેમને પહેલાથી જ નંબરોનો ભારે શોખ છે. નંબરે સાથે તેમની લાગણી જોડાયેલી હોવાથી તેમણે ઊંચી કિંમત ચૂકવીને પણ આ નંબર ખરીદ્યો હતો.

 આ નંબર તેમણે જે કાર માટે ખરીદ્યો તે ટોયોટા ફોર્સ્યુનર કાર છે. આ કાર તેમણે રૂ. ૩૯ લાખમાં ખરીદી હતી અને હવે તેનો નંબર રૂ. ૩૯ લાખમાં લીધો છે. આમ, નંબર સાથે જોઈએ તો કારની કિંમત હવે રૂ. ૭૩ લાખ પર પહોંચી ગઈ છે. આશિક પટેલ પાસે અગાઉ પણ '૭' નંબર હતો અને તેથી તેણે આ નંબર માટે મસમોટી રકમ ચૂકવી હોવાનું જણાવ્યું હતું.

(10:32 am IST)