Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

સુરતમાં કોરોનાનો પ્રકોપ યથાવત : શહેર-જિલ્લામાં નવા 299 કોરોના પોઝિટિવ કેસ

રાંદેર ઝોનમાં સૌથી વધુ 43 દર્દીઓ નોંધાયા: શહેરમાં 4 દર્દીઓના કરૂણ મોત

સુરત :રાજ્યમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યા પ્રતિ દિન રેકોર્ડ તોડી રહી છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં અધધ કહી શકાય તેમ 1607 કોરોના ગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાં કોરોના રોકેટ ગતિએ વધી રહ્યો છે.ત્યારે સુરત શહેર-જિલ્લામાં પણ કોરોનાનો પ્રકોપ બેકાબુ બની રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 238 નવા કોરોના ગ્રસ્ત દર્દીઓ નોંધાવા સાથે શહેરનો કુલ આંક 31257થી 31495 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં શહેરના રાંદેર ઝોનમાં સૌથી વધુ 43 દર્દીઓ નોંધાયા છે. જયારે છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં નવા 61 દર્દીઓ નોંધાવા સાથે કોરોના ગ્રસ્ત દર્દીઓનો કુલ આંક 11271થી 11332 પર પહોંચ્યો છે. આમ,સુરત શહેર -જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 299 કોરોના ગ્રસ્ત નવા દર્દીઓ નોંધાયા છે.જયારે, સુરત શહેર-જિલ્લામાં કોરોના ગ્રસ્ત દર્દીઓનો કુલ આંકડો હવે 42827 પર પહોંચી ગયો છે.

છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 4 દર્દીઓના કરૂણ મોત થવાથી મૃતકોનો કુલ આંક હવે 1054 પર પહોંચ્યો છે. જેમાં, શહેરના 773 અને જિલ્લાના 281 મૃતકોનો સમાવેશ થાય છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 173 અને જિલ્લામાં 41 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવતા કુલ 214 દર્દીઓના ડિસ્ચાર્જ સાથે અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓનો કુલ આંકડો 39,998 પર પહોંચ્યો છે.જેમાં, સુરત શહેરના 29,475 તેમજ જિલ્લાના 10,523 ડિસ્ચાર્જ દર્દીઓનો સમાવેશ થાય છે. હાલ કોરોનાના 1775 એક્ટિવ કેસો છે.

છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં જે 61 દર્દીઓ નોંધાયા છે તેમાં જિલ્લાના ચોર્યાસીમાં 19, ઓલપાડમાં 15, કામરેજમાં 9, પલસાણા 2, બારડોલીમાં 5, મહુવામાં 5, માંડવીમાં 2 , માંગરોળમાં તાલુકાના 4 દર્દીઓનો સમાવેશ થાય છે.જયારે, ઉમરપાડા તાલુકામાં એક પણ દર્દી નોંધાયો નથી. હાલ જિલ્લામાં 503 એક્ટિવ ક્લસ્ટર છે.જયારે કન્ટેનમેન્ટ ક્લસ્ટરમાં 5463 ઘરોમાં 23353 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે. જિલ્લામાં 606 આરોગ્યની ટિમ કાર્યરત છે.

(9:00 pm IST)