Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

રાજયમાં કરોડોની જમીનો ઉપર અસામાજીક તત્વોનો અડ્ડો!

ભ્રષ્ટાચારની વ્યાપક ફરીયાદો છતાં ભાજપ સરકાર કૌભાંડીઓને કેમ બચાવી રહી છે? ડો.મનીષ દોશીનો સવાલ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા.૨૯: સમગ્ર ગુજરાતમાં સરકારી કરોડો ચોરસ મીટર જમીન વણવપરાયેલ પડી રહી છે અને બીજીબાજુ સરકાર ખેડૂતોની કિંમતી જમીન વિકાસ નામે સંપાદન કરી રહી છે જેના કારણે ખેતીની જમીનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સાથોસાથ જમીન સંપાદનના નામે કરોડો રૂપિયાના 'વ્યવહારો'થાય છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા ત્રણગામોની જમીન સંપાદનમાં જીઆઈડીસી દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો છતાં ભાજપ સરકાર કેમ કોભાંડીઓને બચાવી રહી છે તેવો પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં કરોડો ચોરસમીટર જમીન રાજય સરકાર પાસે વણવપરાયેલ પડી રહી છે જેના પર વગધરાવતા લોકો એ અને અસામાજિક તત્વોએ કબ્જો – દબાણ કર્યાનું ખુદ રાજય સરકાર વિધાનસભામાં કબૂલી ચૂકી છે. આ સરકારી જમીનોનો ઉપયોગ સ્થાનિક વિકાસ કાર્યો માટે કરવો જોઈએ પણ, રાજય સરકાર આ દિશામાં કોઈ કામગીરી કરતી નથી. વિકાસના નામે ઉદ્યોગો સ્થાપવા જી.આઈ.ડી.સી. માટે ખેતીની કિંમતી જમીન સંપાદન કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ત્રણ ગામોમાં જમીન સંપાદનમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર-ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદો હોવા છતાં રાજય સરકાર કોઈ પગલા ભરી રહી નથી.

રાજયમાં જમીન સંપાદનમાં મોટા પાયે કૌભાંડ આચરનાર અધિકારીઓ પર પગલા ભરવા ને બદલે ભાજપ સરકાર આવા અધિકારીઓને શિરપાવ આપી રહી છે. શું કરોડો રૂપિયાના કૌભાંડના નાણાં ભાજપા સરકાર ચૂંટણી વ્યવસ્થાપન અને ધારાસભ્ય ખરીદ માટે ઉપયોગ કરી રહી છે ? તેવો પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત ચેમ્બર જેવી સંસ્થામાં વર્ષો પછી ઉદ્યોગોના પ્રશ્નો અંગેની સત્ય હકીકત સરકાર સામે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગુજરાત ચેમ્બરના પ્રમુખે ઓનલાઈન વીડીયો કોન્ફરન્સથી બોલાવેલી મીટીંગમાં પૂર્વ પ્રમુખોએ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, શ્નગુજરાત રાજયના કરપ્ટ અધિકારીઓ બિઝનેશ ઈન્ડસ્ટ્રીઝના કામ થવા દેતા નથી. સરકાર આવા ભ્રષ્ટ અધિકારીઓને કંટ્રોલ નહીં કરે તો ગુજરાત બિઝનેસમાં હજુય નીચે પટકાશે તેમજ સરકારી અધિકારીઓ તરફથી સહકાર નહીં મળે તો ભવિષ્યમાં આવતા નવા મુડીરોકાણ પણ અટકી જશે. GIDCના પ્રશ્નોનું નિરાકરણ થયું નથી તે કરાવવું જોઈએ. સરકારની ઔદ્યોગિક નીતિ માત્ર પેપર પર છે, તેનું અમલ પર ફોકસ કરવું જોઈએ. તેમ અંતમાં જણાવ્યુ હતું.

(11:27 am IST)