Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

વડોદરામાં બની રહેલી ઇમારત થઇ ધરાશાયીઃ ત્રણ લોકોનાં મોતઃ ૫ દટાયાની આશંકા

ફાયર બ્રિગેડ દ્વારા તરત જ રેસ્‍ક્‍યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું હતું

વડોદરા, તા.૨૯: વડોદરાનાં પાણીગેટ વિસ્‍તારમાં આવેલા બાવામાનપુરામાં સોમવારે મોડી રાતે ૪ માળની બની રહેલી બિલ્‍ડિંગ ધરાશાયી થવાની દૂર્ઘટના સામે આવી છે. જેમાં ૯ વ્‍યક્‍તિઓ દબાયાનાં સમાચાર મળી રહ્યાં છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ દ્વારા તરત જ રેસ્‍ક્‍યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું હતું. આ દૂર્ઘટનામાં રેસ્‍ક્‍યૂ કરીને બચાવી લેવાયેલા લોકોમાંથી ગંભીર ઇજા પહોંચતા ૩ લોકોનાં મોત નીપજયાં છે. આ સાથે આસપાસનાં સ્‍થાનિકોનાં અનેક વાહનો  જેમકે કાર અને બાઇકને પણ નુકસાન થયું છે.

આ મામલે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે સોમવારે મોડીરાતે આ નિર્માણાધીન બિલ્‍ડિંગ ધરાશાયી થઇ હતી. બની રહેલી બિલ્‍ડીંગની નીચે કેટલાક શ્રમજીવીઓ સૂઇ રહ્યાં હતાં.

જેમાં એક બાળક સહિત ૯ લોકોનાં દબાયાની આશંકા છે. ફાયરબ્રિગેડ કાટમાળ હટાવીને લોકોને બચાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. વહેલી સવારે ધડાકાભેર બિલ્‍ડીંગ ધરાશાયી થતા આસપાસનાં લોકો પણ મોટા પ્રમાણમાં ભેગા થઇ ગયા હતા.

ફાયર બ્રિગેડનાં લાશ્‍કરોએ મોડી રાતે તરત જ કોઇપણ વિલંબ કર્યા વિના LED લાઇટની મદદથી રેસ્‍ક્‍યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. આ અંગે હાલ પોલીસની ટીમ પણ ઘટના સ્‍થળે પહોંચી ગઇ છે.

આજે કોર્પોરેશન વિભાગ પણ આ  ઇમારત ધરાશાયી થવા અંગેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરશે. આ બની રહેલી ઇમારતની આસપાસ રહેતા સ્‍થાનિકોમાં આ દૂર્ઘટના બાદ રોષ જોવા મળ્‍યો હતો. તેમના જણાવ્‍યાં પ્રમાણે, આ  બાંધકામ ગેરકાયદેસર કરવામાં આવ્‍યું હતું.

(11:49 am IST)