Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

બિહારની ચૂંટણીની જાહેરાત થયા પછી પણ સુરતમાં ચૂંટણી સામગ્રી વેચતા વેપારીઓ નવરાધૂપઃ માત્ર 10 ટકા જ ધંધો મળ્‍યો

સુરત: તાજેતરમાં બિહાર ઇલેક્શનની તારીખ જાહેર થઈ ચૂકી છે. જોકે હાલમા ચાલી રહેલા કોરોના વાયરસની મહામારીને કારણે આ વખતે ઇલેકશનમા કોઇ પણ પ્રકારનો પ્રચાર કોઇ પાર્ટી કરી શકશે નહિ. ફકત વર્ચ્યુઅલ સભા કરી શકશે. જેને કારણે ચુંટણી પ્રચારની સામગ્રીનું કામકાજ કરનાર લોકોને ભારે નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. તેની સીધી અસર સુરતના વેપારીઓ પર થઈ છે. કારણ કે, સુરતના અનેક વેપારીઓ ચૂંટણીને લગતી સામગ્રી તૈયાર કરવાનું કામ કરતા હોય છે. ત્યારે ગત વર્ષની સરખામણીમા આ વર્ષે બિહારમાંથી માત્ર 10 ટકા જ ધંધો મળ્યો છે.

દેશમાં ગમે તે રાજ્યોમા ચૂંટણી હોય, તેના કાપડ પર પ્રિન્ટિંગના ઓર્ડર તો સુરતના જ વેપારીઓને મળતા હોય છે. સુરત કાપડ ઉદ્યોગ દેશના દરેક ખૂણે પોપ્યુલર છે. જેને કારણે કોઈ પણ રાજ્યમાં દરેક પાર્ટીના પ્રચાર માટેના ઝંડા, ટોપી, બેનર, માસ્ક વગેરે સામગ્રી સુરતથી જ જતી હોય છે. દર વર્ષના ઇલેક્શનમા સુરતથી કરોડો રૂપિયાની પ્રચાર સામગ્રી જતી હોય છે. જોકે આ વર્ષે કોરોના વાયરસની મહામારીને કારણે આવા ઉદ્યોગકારોની હાલત કફોડી બની છે.

તાજેતરમાં બિહાર ઈલેક્શનની તારીખ નક્કી થઇ ગઇ છે. ઇલેકશનને હવે માત્ર એક જ મહિનો બાકી છે. તેમ છતાં બિહારમાંથી માત્ર 10 ટકા જેટલો જ ઓર્ડર મળ્યો છે. દર વર્ષે ભાજપ, આરજેડી, કોંગ્રેસ સહિતની પાર્ટીઓના ધ્વજ, બેનર, ઝંડા વગેરેના ઓર્ડરો મોટી સંખ્યામાં મળતા હતા. જો કે આ વર્ષે વરર્ચ્યુઅલ પ્રચાર અને સભા કરવાની છે, જેને કારણે કોઇ પણ પાર્ટી દ્વારા પ્રચાર સામગ્રીની ખરીદી કરવાનું ટાળી રહી છે.

સુરતના ઉદ્યોગકારોને એમ હતુ કે ઇલેક્શન એક વર્ષ બાદ થશે. જોકે ખૂબ જ ઓછા સમયમાં ઈલેક્શનની તારીખ જાહેર કરી દેતા પ્રચાર માટેનો ઓર્ડર કઇ રીતે મેળવવો તે અંગે અસમંજસમા મૂકાયા છે. આ ઉપરાંત બિહારના વેપારીઓ દ્વારા પણ કોઇ પણ પ્રકારની ખરીદીનો રસ બતાવવામા આવ્યો નથી. જે માલ અગાઉથી બનાવવામા આવ્યો હતો, તેનો પણ ઓર્ડર ન મળતા તેનો જથ્થો ગોડાઉનમાં પડી રહ્યો છે.

(4:52 pm IST)