Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

સુરતના લીંબાયતમાં નજીવી બાબતે બે પાડોશી બાખડ્યા: સામસામે હુમલામાં ચપ્પુથી જીવલેણ હુમલો

સુરત: શહેરના લીંબાયત રંગીલાનગરમાં ગતસાંજે બે પાડોશી યુવાનો ઓટલા ઉપર બેસેલા હતા ત્યારે અગાઉ સામે રહેતો યુવાન અને તેના બે મિત્રો ગાળાગાળી કરતા હોય એક યુવાન કહેવા જતા તેને સામે રહેતા યુવાને પેટમાં ચપ્પુ મારવા પ્રયાસ કર્યો હતો. જોકે, યુવાને પગ આડો કરતા ચપ્પુ તેના ઘૂંટણના પાછળના ભાગેથી આરપાર નીકળી ગયું હતું. આથી તેને બચાવવા ગયેલા પાડોશી યુવાનને પણ ઘૂંટણમાં જ ચપ્પુ મારી ત્રણેય ફરાર થઈ ગયા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને સુરતમાં લીંબાયત નીલગીરી રંગીલાનગર 2 પ્લોટ નં.65,67 માં રહેતો 37 વર્ષીય સુરેશ હિંન્છલાલ મૌર્ય લુમ્સના કારખાનામાં મજૂરીકામ કરે છે. ગતસાંજે 7.30 વાગ્યાના અરસામાં સુરેશ તેના પાડોશી ઓમપ્રકાશ રાજારામ કોળી સાથે ઓટલા ઉપર બેસી વાત કરતો હતો ત્યારે અગાઉ તેના ઘરની સામે રહેતો ગોપાલ સંજય પાટીલ ( રહે.શિવક્રુપા સોસાયટી, લીંબાયત, સુરત ) તેના બે મિત્રો કમલેશ મહાજન અને જયેશ ઉર્ફે ગોલીયા સાથે ગાળાગાળી કરતો હોય ઓમપ્રકાશ તેને સમજાવવા ગયો હતો. ગોપાલે ઓમપ્રકાશને " તુ કેમ વચ્ચે બોલે છે” તેમ કહેતા જયેશ ઉર્ફે ગોલીયા તથા કમલેશે ઓમપ્રકાશને પાછળથી પકડી લઈ ગોપાલે તેની ચપ્પુ કાઢી આજે તો તને મારી જ નાંખુ તેમ કહી પેટના ભાગે ચપ્પુ મારવા પ્રયાસ કર્યો હતો. જોકે, ઓમપ્રકાશે તેનો જમણો પગ આડો કરી દેતા ચપ્પુ તેના ઘુંટણના પાછળના ભાગે આરપાર નીકળી જતા ગંભીર ઇજા થઈ હતી.

(5:24 pm IST)