Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

નડિયાદ તાલુકામાં સર્જાયેલ જુદા જુદા અકસ્માતના ચાર બનાવમાં એક શખ્સનું મૃત્યુ: ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નડિયાદ:તાલુકાના ગુતાલ અને યોગીનગર, કઠલાલ તાલુકાના લસુન્દ્રા તેમજ કપડવંજ નજીક ધોળીવાવ માર્ગ પર સર્જાયેલા માર્ગ અકસ્માતના જુદા-જુદા ચાર બનાવોમાં એક મહિલાનું મોત જ્યારે કુલ ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે જે તે પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદને આધારે પોલીસે ગુનાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ આણંદ જિલ્લાના કરમસદમાં આવેલ કર્ણાવતી સોસાયટીમાં રહેતાં ૫૫ વર્ષીય હેમલતાબેન ચુનીલાલ મહેતા ગતરોજ બપોરના દોઢેક વાગ્યાના અરસામાં પોતાનું એક્ટિવા નં. જીજે-૨૩, એઆર-૩૫૩૨ લઈ નડિયાદ ખાતે આનંદના ગરબામાં હાજરી આપવા ઘરેથી નીકળ્યાં હતાં. અને વિદ્યાનગરથી વર્ષાબેન જૈમિનભાઈ પુરોહિતને પિકઅપ કરી તેઓ બંને નડિયાદ તરફ જઈ રહ્યાં હતાં. દરમિયાન ગુતાલ નજીક માર્ગ પર સામેથી લોડીંગ ટેમ્પી નં. જીજે-૨૩, ઝેડ-૯૫૫૬ પુરપાટ ઝડપે આવતી હોઈ હેમલતાબેને પોતાના એક્ટિવાને ઓચિંતી બ્રેક મારી હતી. ત્યારે પાછળ આવતી એક કારના ચાલકે હેમલતાબેનના એક્ટિવાને ટક્કર મારતાં એક્ટિવા રોડની સાઈડમાં ફંગોળાઈ સામેથી આવતી ટેમ્પી સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર હેમલતાબેન તેમજ વર્ષાબેન ગંભીર રીતે ઘવાતા તેઓને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યાં બાદ વધુ સારવાર માટે બંને મહિલાઓને કરમસદમાં આવેલ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન હેમલતાબેન ચુનીલાલ મહેતાનું મોત નિપજ્યું હતું. જ્યારે વર્ષાબેનને સારવાર બાદ રજા આપી દીધી હોવાનું જાણવા મળેલ છે.

(5:25 pm IST)