Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

જૈન દેરાસરનું બાંધકામ કરાતા હાઈકોર્ટમાં રિટ

પાલડી રહેણાંક પ્લોટ પર બાંધકામ

અમદાવાદ,તા.૨૯ : અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલી વસંત કુંજ સોસાયટીમાં રહેણાંક પ્લોટ પર ધાર્મિક સ્થળનું બાંધકામ કરવામાં આવતું હોવાથી તેને રદ્દ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, રહેણાંક પ્લોટની જમીનમાં જૈન દેરાસરનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે, તે ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ ૧૯૭૬ અને ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ૧૯૪૯નું ઉલઘન છે જેથી તેને રદ જાહેર કરવામાં આવે. હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરી છે કે ૨૦૦૫માં જ્યારે રહેણાંક પ્લોટનો સોદો આરાધના ભવન ટ્રસ્ટ સાથે કરવામાં આવ્યું ત્યારે જગ્યા પર શૈક્ષણિક સાંસ્કૃતિક ઉભુ કરવાની વાત કરવામાં આવી હતી. જો કે, પાછળથી જૈન દેરાસર બાંધવાનું શરૂ કરાતા વાંધો વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી પરવાનગી લેવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાયેલી જાહેર હિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, નિયમો વિરુદ્ધ જઈને ૧૫ મીટરથી ઉપર જૈન દેરાસર બાંધવા માટેની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપી દેવામાં આવી છે અને પાર્કિંગની વ્યવસ્થા પણ નથી, તેમ છતાં મંજૂરી આપી દેવાઈ હતી. બાંધકામ ગેરકાયદેસર છે અને નિયમો વિરુદ્ધ હોવાથી ગુજરાત હાઈકોર્ટે રદ્દ કરે.

(10:02 pm IST)