Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

અમદાવાદ:પોપ્યુલર બિલ્ડરનાં બંધુઓ સામે વધુ એક ફરિયાદ : ભાડાની ઓફિસ પચાવી પાડવાનો આક્ષેપ

ઓફિસના માલિક દ્વારા ખાલી કરવા નોટિસ આપવા છતાં બંને ભાઇઓ ધમકી આપી ઓફિસ પર કબજો લઈ લીધો

અમદાવાદ: શહેરના પોપ્યુલર બિલ્ડર બ્રધર્સ  સામે વધુ એક પોલીસ ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. બિલ્ડર રમણ પટેલ અને દશરથ પટેલે થલતેજમાં આવેલી ત્રણ કરોડની ઓફિસને 2010થી ભાડે રાખી પચાવી પાડી હોવાના આક્ષેપ સાથે પુરાવાના આધારે ફરિયાદ નોંધાઈ છે. ઓફિસના માલિક દ્વારા અવારનવાર ખાલી કરવા નોટિસ આપવા છતાં બંને ભાઇઓ ધમકી આપી ઓફિસ પર કબજો લઈ લીધો હતો. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે પોપ્યુલર બિલ્ડર સામે આ ચોથી પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
સોલાના ઐશ્વવર્ય બંગલોઝમાં રહેતા અને મોટી ભોંયણ ખાતે ગુંજન પેઇન્ટ્સ નામે કંપની ધરાવતા ગોવિંદભાઈ બારોટની ન્યૂયોર્ક ટાવરમાં આઠમા માળે ઓફિસ આવેલી છે. વર્ષ 2010માં પોપ્યુલર બિલ્ડર બ્રધર્સ એવા રમણ અમે દશરથ પટેલે ઓફિસ ખાલી હોવાથી 11 મહિના 29 દિવસના કરાર પર ભાડે રાખી હતી. 2011માં કરાર પૂરો થતાં વકીલ મારફતે ગોવિંદભાઈએ નોટિસ આપી હતી છતાં ખાલી નહિ કરી ત્રણ વર્ષ કાઢી નાખ્યા હતા.
2015મા ફરી કરાર કરવાનું બિલ્ડર રમણ અને દશરથ પટેલે કહેતા કરાર કર્યો હતો. જે 2014થી ગણ્યો હતો. ફરી એક વર્ષ પૂરું થતા ઓફિસ ખાલી કરવાનું કહેતા તેઓએ ગાળો બોલી ઓફિસ અમારી છે અને અહીંયા પગ મુકશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

(10:34 am IST)