Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

રાજકોટ પોલીસની જેમ બાયોડિઝલ મામલે દરોડા પાડવા રાજ્યભરની પોલીસને આદેશ

ડિજીપી આશિષ ભાટીયાએ યોજેલી વિડીયો કોન્ફરન્સમાં રાજકોટ પોલીસની આ કામગીરી વખાણી

રાજકોટ તા. ૩૦: થોડા દિવસો પહેલા શહેરના હાઇવે પર બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલા બાયોડિઝલના પંપો પર શહેર પોલીસે દરોડાનો દોર ચાલુ કર્યો હતો. ગેરકાયદેસર રીતે વાહનોમાં ઇંધણ તરીકે બાયોડિઝલ પુરી અપાતું હોઇ પેટ્રોલપંપો પર ડિઝલનું વેંચાણ ઘટી ગયું હતું. આ મામલે પંપના સંચાલકોએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆત કરી હતી અને બાયોડિઝલના વેંચાણ સામે કડક કાર્યવાહીની માંગણી કરી હતી તેમજ પેટ્રોલપંપ સંચાલકો આંદોલન શરૂ કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. દરમિયાન ગઇકાલે રાજ્યના ડીજીપી શ્રી આશિષ ભાટીયાએ વિડીયો કોન્ફરન્સ યોજી રાજ્યની તમામ પોલીસને રાજકોટ પોલીસની જેમ  બાયોડિઝલના મામલે દરોડા પાડવા અને કડક કાર્યવાહી કરવા આદેશો આપ્યા હતાં.

વિડીયો કોન્ફરન્સમાં ડીજીપીશ્રીએ રાજકોટ શહેર પોલીસની બાયોડિઝલ મામલે થયેલી કામગીરીના વખાણ કર્યા હતાં અને    ચાર મુખ્ય શહેરોના પોલીસ કમિશનર અને જીલ્લા પોલીસ વડાઓને રાજકોટ પોલીસની જેમ જ બાયોડિઝલના સંદર્ભમાં કાર્યવાહી કરવા દરોડા પાડવા સુચનાઓ આપી હતી. આ આદેશને પગલે રાજકોટ શહેર પોલીસે કરેલી કામગીરીની વિગતો જે તે જીલ્લા-શહેરની પોલીસે ટેલિફોનથી મેળવી હતી. બાયોડિઝલના ગેરકાયદેસર વેંચાણ સામે કડક કાર્યવાહીના આદેશ થતાં બાયોડિઝલના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. રાજ્યભરમાં આ કામગીરી મોટા પાયે થશે તેવી શકયતા છે.

(11:30 am IST)