Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

સુરતમાં દારૂના નશામાં ચકચૂર થઇ માસ્‍કના નામે લોકો પાસે દંડ ઉઘરાવતો શખ્‍સ ઝડપાયોઃ આ શખ્‍સ 2000 રૂપિયાની માંગણી કરતો હતો

સુરત: સુરતના કાપોદ્રા ખાતે આવેલી સોમનાથ સોસાયટીમાંથી માસ્કના નામે દંડની ઉઘરાણી કરતો શખ્સ ઝડપાયો છે. આ શખ્સ લોકો પાસેથી 2000 રૂપિયાની માંગણી કરતો હતો. મનપાના અધિકારી બની દંડ ઉઘરાવતો આ શખ્સ સોસાયટીમાં દારૂ પીને આવ્યો હોવાનો રહીશોએ આક્ષેપ કર્યો હતો. તેમજ લોકોના ઘરમાં ઘૂસીને દારૂ પીને બેફામ ગાળો બોલી દંડની માંગણી કરતો હતો. ત્યારે આખરે કાપોદ્રા પોલીસે તેની ધરપકડ કરી છે.

નશામા ધૂત થઈને આવ્યો હતો

કાપોદ્રા વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટીમાં કોઈ શખ્સ માસ્કના નામે બે હજાર રૂપિયા ઉઘરાવે છે તેવી પોલીસને માહિતી મળી હતી. ત્યારે પોલીસે આ શખ્સને પકડી પાડ્યો છે. પરંતુ આ શખ્સને લોકોએ પકડી પાડ્યો હતો. આ શખ્સે પોતાને મનપાના સફાઈ કર્મચારી મહિલાનો પતિ હોવાનું જણાવ્યું હતું. મોબાઈલમા મહિલાનું આઈ કાર્ડ બતાવી લોકો સામે રોફ જમાવતો હતો. તેમજ પોતે smc માં હોવાનો રોફ બતાવતો હતો. ત્યારે કપોદ્રા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ શખ્સ માસ્કના નામે લોકો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરતો હતો. આખરે સોસાયટીની રહીશોએ તેને પકડી પાડ્યો હતો. આ ઉપરાંત આ શખ્સ દારૂના નશામાં પણ હતો. તેણે સ્થાનિકોને બેફામ ગાળો ભાંડી પણ હતી.

આમ, સુરતમાં લોકોને દંડ ફટકારીને રૂપિયાની ઉઘરાણી કરવા માટે બોગસ અધિકારીઓ પણ ફરતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે કેટલાક લોકો સરકારી અધિકારીના નામે લૂંટ ચલાવી રહ્યા છે.

(4:57 pm IST)