Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

વહેલી સવારે ઠંડક અને બપોરે ઉનાળા જેવી ગરમી સાથે ડબલ ઋતુના માહોલથી શરદી, ઉધરસ, વાઇરલ તાવના કેસમાં સતત વધારો

ગાંધીનગર: કોરોના સંકટ વચ્ચે ગુજરાતમાં ધીમા પગલે ઠંડીનું આગમન થઈ રહ્યું છે. જેને પગલે સવારે ઠંડીનો ચમકારો જોવા મળે છે, તો બપોરે પારો અચાનક 36 ડિગ્રીની આસપાર પહોંચી જતાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આમ બેવડી ઋતુના કારણે રાજ્યમાં રોગચાળો પણ વકરી રહ્યો છે.

ડબલ ઋતુના પગલે શરદી, ઉધરસ અને વાઈરલ ફિવરના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં પ્રથમ વાર સિઝનનું તાપમાન 18.4 ડિગ્રી સુધી ગગડી જતાં શહેરીજનોને ઠંડીનો અનુભવ થયો હતો. બીજી તરફ 15.5 ડિગ્રી તાપમાન સાથે વલસાડ રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.

રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ભલે પહેલા કરતાં ઓછી આવતી હોય, પરંતુ શિયાળો આવતા કેસો વધવાની આશંકા નકારી શકાય નહી. આમ કોરોના કાળમાં ઠંડીની ઋતુના પગલે આરોગ્ય વિભાગની પણ ચિંતા વધી છે. છેલ્લા કેટલાક દિવસોથી શરદી, તાવ અને ઉધરસની સમસ્યાવાળા દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. બેવડી ઋતુના પગલે હેલ્થ એક્સપર્ટોએ કેટલીક સલાહ આપી છે. જેમાં વહેલી સવારે લોકોએ કુલર અને એસીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. સાથે દિવસમાં બે વખત ગરમ પાણીથી કોગળા કરવા જોઈએ. જો શરદી, તાવ કે ઉધરસમાં રાહત ના મળે તો તાત્કાલીક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોથી રાજયના વિવિધ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે પણ રાજયના વિવિધ શહેરોના તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેતા વહેલી સવારે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો હતો.

(4:44 pm IST)