Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ બોગસ ડોક્ટર ઝડપ્યો : ધો-10 પાસ શખ્શ ત્રણ વર્ષથી ક્લિનિક ચલાવતો હતો

વિઠ્ઠલાપુર ચાર રસ્તા પાસે મહેતા કોમ્પ્લેક્સમાં દરોડા પાડીને સિરશકુમાર અખાણીને ઝડપી લીધો

અમદાવાદ : જિલ્લાના વિઠ્ઠલાપુર ગામ રોડ પર માત્ર ધો-10 સુધી ભણેલો શખ્સ ત્રણ વર્ષથી ક્લિનિક ચલાવી દર્દીઓના જીવ સાથે ખીલવાડ કરતો હતો. અમદાવાદ ગ્રામ્ય એલસીબીની સજાગ ટિમે આરોપીને ઝડપી લઈ કાર્યવાહી કરી છે. આરોપી પાસેથી એલોપેથી દવાઓનો જથ્થો પણ મળી આવ્યો છે.

અમદાવાદ ગ્રામ્ય એસીબીના સ્ટાફને બાતમી મળી હતી કે, કોઈપણ પ્રકારની માન્યતા પ્રાપ્ત ડીગ્રી કે લાઈસન્સ વગર એક શખ્સ વિઠ્ઠલાપુર રોડ પર દુકાન ભાડે રાખી તબીબી પ્રેક્ટિસ કરી લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યો છે.

અમદાવાદ ગ્રામ્ય એલસીબી પીઆઈ કે.કે જાડેજા, પીએસઆઈ એન.એલ.દેસાઈ,એમ.જી.પરમાર, હેડ કોન્સ્ટેબલ ગણેશભાઈ નાકુભાઈ, તેજદિપસિંહ વિરમદેવસિંહ, શક્તિસિંહ છત્રસિંહ અને કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ભારતસિંહએ બાતમીના આધારે બોગસ ડૉકટરના ક્લિનિક પર વિઠ્ઠલાપુર ચાર રસ્તા પાસે મહેતા કોમ્પ્લેક્સમાં દરોડા પાડ્યા હતા. પોલીસે આરોપી બોગસ ડૉકટર સીરષકુમાર પ્રવીણકુમાર અખાણી રહે, માંડલ દેસાઈની ખડકી તાલુકો માંડલ, જિલ્લો અમદાવાદ, મૂળ રહેવાસી, જિલ્લો બનાસકાંઠા દિયોદરને ઝડપી લીધો હતો.

પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ આરોપી મહેતા કોમ્પ્લેક્ષમાં છેલ્લા ત્રણ વરસી દુકાન ભાડે રાખી બોગસ ડીગ્રી આધારે બોગસ ડૉકટર બની ક્લિનિક ચલાવતો હતો. ત્રણ વર્ષથી આરોપી દર્દીઓના જીવન સાથે ચેડાં કરી એલોપેથી દવાઓ આપતો રહ્યો પણ કોઈને ગંધ આવી ન હતી.

એલસીબી પીઆઈ કે.કે.જાડેજાએ જણાવ્યું હતું કે, બોગસ ડૉકટર માત્ર ધો-10 સુધી ભણેલો છે. તેની પાસેથી મળેલી ડિગ્રીમાં કરેલા શબ્દનો ઉલ્લેખ મેડીકલમાં ક્યાંય નથી. છતાં આરોપી ક્લિનિક ચલાવવામાં સફળ રહ્યો હતો. આરોપી પાસેથી મેડિકલ સાધનો અને એલોપથી દવાઓનો રૂ.26 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો છે. આરોપી વિરૂધ્ધ વિઠ્ઠલાપુર પોલીસ સ્ટેશનમાં ગુજરાત મેડિકલ એકટ 1963ની કલમ 30 મુજબ ગુનો નોંધી તપાસ લોકલ પોલીસને સોંપવામાં આવી છે.

(12:05 am IST)