Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

ઓમપ્રકાશ જાટ લોકડાઉનમાં ગરીબોના મસિહા બન્યા હતા

યુનિટી પરેડની આગેવાની કરનારા આઈપીએસ : વલસાડના એએસપીએ વિસ્તારના જરૂરિયાતમંદોની યાદી બનાવી તમામના ભોજનની વ્યવસ્થા કરાવી હતી

કેવડિયા ,તા.૩૧ : પીએમ મોદીની હાજરીમાં આજે કેવડિયા કોલોની ખાતે યુનિટી પરેડનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત પોલીસ ઉપરાંત સીઆરપીએફ, સીઆઈએસએફ, બીએસએફ તેમજ આઈટીબીપીના જવાનોએ ભાગ લીધો હતો. પરેડની આગેવાની કરનારા ગુજરાત કેડરના યુવા આઈપીએસ ઓફિસરે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. યુવા અધિકારીનું નામ છે ઓમપ્રકાશ જાટ, અને તેઓ ૨૦૧૮ની બેન્ચના આઈપીએસ ઓફિસર છે. હાલ તેઓ ગીર સોમનાથ જિલ્લામાં એએસપી તરીકે ફરજ બજાવે છે.

દેશભરમાં માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં લોકડાઉન લાગુ કરી દેવાયું હતું. કોઈ ઘરની બહાર કામ વિના ના નીકળે તે માટે રસ્તાઓ પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. તે સમયે ઓમ પ્રકાશ જાટ વલસાડ જિલ્લામાં એએસપી તરીકે તૈનાત હતા.

વલસાડમાં એકવાર લોકડાઉન દરમિયાન પેટ્રોલિંગ કરી રહેલા ઓમપ્રકાશ જાટની નજર એક એવા ગરીબ વ્યક્તિ પર પડી હતી કે જે ભાતને દાળને બદલે પાણીમાં ડૂબાડીને ખાઈ રહ્યો હતો. દ્રશ્ય જોઈ તેઓ હચમચી ગયા હતા. વાપી નજીકના ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જાટ ઘટનાથી એટલા વ્યથિત હતા કે પછી તેમણે પોતાના વિસ્તારમાં રહેતા તમામ ગરીબોને જમવાની વ્યવસ્થા કરાવવાનું બીડું ઉઠાવી લીધું. તેમાંના મોટાભાગના તો લોકડાઉનને લીધે બેકાર બનેલા પરપ્રાંતિયો હતા.

તેમાંય વળી, એક દિવસ તેમણે ૪૩ મજૂરોને લઈ જઈ રહેલી એક ટ્રક પકડી, અને તેના ડ્રાઈવર સામે કેસ કર્યો. મજૂરોને ટ્રકમાં ક્યાં જતા હતા તે પૂછ્યું તો તેમને જવાબ મળ્યો કે તે લોકો પાસે ૫૦૦ રૂપિયા હતા, અને તે પણ વતન પહોંચવા ટ્રક ડ્રાઈવરને આપી દીધા હતા. મજૂરોએ જાટને કહ્યું કે કોરોનાથી તો બચી જઈશું, પણ ભૂખથી મરી જઈશું.. તે દિવસે રાત્રે ત્રણ વાગ્યે તેમણે અને તેમની ટીમે તેમના પોલીસ સ્ટેશનની હદમાં આવતા જરૂરિયાતમંદોનું લિસ્ટ બનાવવાનું શરૂ કર્યું, અને સવારે ૧૧ વાગ્યા સુધી તો બધાના ઘરે રાશન કિટ પહોંચાડી પણ દીધી. જાટ જે વિસ્તારમાં ફરજ બજાવતા હતા ત્યાં મોટાભાગે મજૂરો રહેતા હતા, જેઓ વાપી જીઆઈડીસી કે સિલવાસામાં આવેલી ફેક્ટરીઓમાં કામ કરતા. તેમની પાસે રેશનકાર્ડ નહોતુ, અને લોકડાઉનમાં નોકરી પણ બંધ થઈ ગઈ હતી. તેઓ વતન જઈ શકવાની સ્થિતિમાં પણ નહોતા

ગરીબ મજૂરોને જમવાનું પૂરું પાડવા માટે એએસપી જાટે ફેક્ટરીઓ ધરાવતા તેમજ સુખી-સંપન્ન લોકોનો સંપર્ક કર્યો, અને તેમની મદદથી ફુડ કિટ્સની વ્યવસ્થા કરી. દરેક કિટની કિંમત ૪૫૦-૫૦૦ રૂપિયા થતી હતી, અને જે-તે દાતા પોતાની ઈચ્છા અનુસાર કિટ ખરીદી મજૂરોને વહેંચી શકે તેમ હતા. ૧૫ દિવસ ચાલે તેટલું અનાજ-કઠોળ અને બીજી ચીજવસ્તુ ધરાવતી આવી ,૩૬૫ કિટ્સનું તેમણે વિતરણ કરવામાં સફળતા મેળવી હતી, જેની કિંમત ૩૨ લાખની આસપાસ થતી હતી. સિવાય તેમના ડુંગરા પોલીસ સ્ટેશન દ્વારા ૧૩,૦૦૦ ફુડ પેકેટ્સનું પણ વિતરણ કરાયું હતું.

(8:46 pm IST)