ગુજરાત
News of Monday, 1st March 2021

સુરત એરપોર્ટ પાસેની કેટલીક બિલ્ડિંગની ઊંચાઈ અવરોધક : 14 ઇમારતોના અવરોધ ઘટાડ્યા અથવા દૂર કરાયા : AAI

જાહેરહિતની અરજીમાં ગુજરાત હાઈકોર્ટ સમક્ષ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જવાબ રજૂ કર્યો

સુરત એરપોર્ટ પાસે આવેલી કેટલીક બિલ્ડીંગની ઉંચાઈને અવરોધ બની રહી છે તેવી રજૂઆત સાથે દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં સોમવારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે DGCA અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના જોઈન્ટ સર્વેમાં સુરત એરપોર્ટ પાસે આવેલી 41 બિલ્ડીંગ અવરોધ સમાન છે અને આ પૈકી 14 બિલ્ડીંગએ અવરોધ ઘટાડી નાખ્યા અથવા દૂર કર્યા છે.

 એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું હતું કે, અવરોધ તરીકે જાહેર કરાયેલી બિલ્ડીંગઓની NOC રદ કરવામાં આવશે. આ પ્રકારની NOCને રેગ્યુલરાઈઝ કરવાનો કોઈ સવાલ જ ઉભો નથી. જો બિલ્ડીંગના બિલ્ડરો કે રહીશો બિલ્ડીંગની હાઈટ જોઈન્ટ સર્વેના નિયમ WGS-84 પ્રમાણે કરશે તો તેમને નવી ફ્રેશ NOC WGS-84ની હાઈટ પ્રમાણેની ઉપલબ્ધ કરાવવામાં આવશે.

એરપોર્ટ ઓથોરટી ઓફ ઇન્ડિયના સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે બિલ્ડરોએ અગાઉ ખોટા કો-ઓર્ડિનેટ્સના આધારે બિલ્ડીંગોનું બાંધકામ કર્યું હતું અને તેને લીધે વાસ્તવિક ડેટાથી જુદી છે. વિવાદાસ્પદ બિલ્ડીંગના બાંધકામને લીધે સુરત એરપોર્ટના ફ્લાઇટ ઓપરેશમાં અસર થતી હતી. આ સોગંદનામાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે રન-વે ને સામેની દિશામાં લંબવવાની શકયતા ખૂબ જ ઓછી છે, કારણ કે ત્યાં દરિયો અને ઓઇલની ઘણી પાઈપલાઈન આવેલી છે.

અગાઉ ગુજરાત હાઈકોર્ટે DGCAને (ડિરેક્ટરોટ જનરલ ઓફ સિવિલ એવિએશન) પૂછ્યું હતું કે સુરત એરપોર્ટ પાસે આવેલી બિલ્ડીંગ અવરોધ છે કે કેમ. સુરત એરપોર્ટની આસપાસ ઘણી બિલ્ડીંગની હાઈટ નિયમોથી વિપરીત હોવાની હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરાઈ હતી.

(10:16 pm IST)