ગુજરાત
News of Thursday, 1st October 2020

હિંમતનગરના મહેતાપુર વિસ્તારમાં ભાડાના મકાનમાં ખોટી આરસી બુક બનાવી લોકોને છેતરનાર શખ્સોને એલસીબીએ ઝડપી પાડયા

હિંમતનગર: શહેરના મહેતાપુરા વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્ષમાં છેલ્લા ઘણા સમયથી ભાડાના એક મકાનમાં કેટલાક શખ્સો જુના વાહનોની ખોટી આરસી બુક બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરતા હોવાની બાતમીને આધારે મંગળવારે જિલ્લા એલસીબી પોલીસે અગાઉથી કેટલીક માહિતી એકત્ર કર્યાબાદ સ્થળ તપાસ કરીને ખોટી આરસી બુક બનાવવા માટે વપરાતા લેપટોપપ્રિન્ટર સહિત અન્ય ચીજવસ્તુઓ મળી અંદાજે રૃા.૯૦ હજારથી વધુની કિંમતના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સો વિરૃધ્ધ જિલ્લા એલસીબીએ હિંમતનગર બીડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યોહતો.

એલસીબીના હેડ કોન્સ્ટેબલ સલીમ ઈકબાલહુસેનએ નોધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ છેલ્લા કેટલાક સમયથી મહેતાપુરા વિસ્તારમાં ત્રિવેણી હાઈસ્કૂલ સામે આવેલા કમલેશભાઈ જોષીના મકાનમાં નીરવ કનુભાઈ બારોટ (રહે.જંગરાલતા.પાટણ)પીયુષભાઈ પોપટલાલ કથરોટીયા (રહે.સુરત) તથા મોહમદસલીમ ઐયુબખાન મેમણ (રહે.પાણપુરહિંમતનગર) એમ ત્રણેય ભેગા મળીને ઓટો કન્સલટન્ટ/બાઈકની લે વેચ કરવાનો વ્યવસાય કરતા હતા તથા લોન આપનાર ફાયનાન્સ પેઢીના લોનના બાકીદારો સમયસર હપ્તા ન ભરતા તેમના વાહનો ખેંચી લાવતા હતા. અને ત્યારબાદ આ વાહનો આ ત્રણેય જણા હરાજીમાં ખરીદી લેતા હતા. બીજી તરફ આ વાહનો અન્ય ગ્રાહકોને વેચવાનો વ્યવસાય કરતા હોવાથી નવા વાહન ખરીદનાર ગ્રાહકને જુના વાહન માલિકના નામની આરસી બુક નવા ખરીદનારના નામે સીફતપૂર્વક નામે કરતા હતા. જેના માટે ખોટા દસ્તાવેજો ઉભા કરીને તેને સાચા તરીકે રજુ કરવામાં આવતા હતા. જે અંગે સાબરકાંઠા એલસીબીને માહિતી મળી હતી. જેથી એલસીબીની ટીમે આ બાબતે અગાઉથી બાતમી મેળવીને મંગળવારે મહેતાપુરા વિસ્તારમાં આવેલા કમલેશભાઈ જોષીના મકાનમાં છાપો માર્યો હતો. જ્યાં તપાસ દરમિયાન અનેક ખોટા દસ્તાવેજો મળી આવ્યા હતા.

(5:56 pm IST)